વડોદરા કોર્પોરેશનની 552 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં મેરીટસના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલા ઉમેદવારોની યાદી જારી કરાઈ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની 552 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં મેરીટસના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલા ઉમેદવારોની યાદી જારી કરાઈ 1 - image


- ગેરહાજર રહેલા અને ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી પણ વેબસાઈટ પર મુકાઈ 

વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા પર સીધી ભરતી કરવા માટે ગયા વર્ષે તારીખ 8 ઓક્ટોબરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં મેળવેલ માર્ક્સના મેરીટ ના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરીફીકેશન પછી લાયક ઉમેદવારોની મેરીટસના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલા 552 ઉમેદવારોનું લિસ્ટ કોર્પોરેશનની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેની સાથે સાથે ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેલા અને ગેરલાયક ઠરેલા 171 ઉમેદવારોની યાદી પણ મૂકવામાં આવી છે.  કોર્પોરેશન દ્વારા પરીક્ષા માટે જે તે સમયે અરજીઓ મંગાવી ત્યારે રાજ્યભરમાંથી 1,35,793 ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. પ્રાથમિક ચકાસણી કરતા 1,09,307 ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું .જેમાંથી 42,269 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી .જ્યારે 64 038 ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવામાં આવી હતી. એ પછી 17,068 ક્વોલીફાઈ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર વખત ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવાયું હતું. પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વધુ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવાની બાકી હોઇ, પ્રમાણપત્રોની ચકાસણી બાદ મેરીટના ધોરણે પ્રતિક્ષા યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉકત યાદીમાં સમાવેશ નહીં થયેલ ઉમેદવારો પૈકીના લાયક ઠરેલ ઉમેદવારોને મેરીટના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે.


Google NewsGoogle News