સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય કરતી લાઇનમાં ભંગાણ થતા દોડધામ
નવી બંધાતી બિલ્ડિંગના કન્સટ્રક્શન સમયે લાઇન તૂટી ગઇ : ૧૫ મિનિટ સુધી પુરવઠો ખોરવાયો
વડોદરા,સયાજી હોસ્પિટલમાં નવી બંધાતી બિલ્ડિંગની કામગીરી દરમિયાન ઓક્સિજનની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા અંદાજે ૧૫ મિનિટ સુધી ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ઓક્સિજનની અન્ય વ્યવસ્થા હોવાના કારણે દર્દીઓને હાલાકી થઇ નહતી.
સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવે છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું કન્સટ્રક્શન કામ ચાલી રહ્યું છે. તેના પાયા માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે. આજે ખાડા ખોદતા સમયે મશીનનો ભાગ ઓક્સિજન સપ્લાય કરતી પાઇપને અડી જતા પાઇપમાં ભંગાણ થયું હતું. જેના કારણે ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો. આ અંગેની જાણ થતા જ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયર, પી.આઇ.યુ.ના ડે.એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સ્ટોરના મેડિકલ ઓફિસર તતા ઓક્સિજનની લાઇનનું મેન્ટેનન્સ કરતા કોન્ટ્રાક્ટર દોડી ગયા હતા. તેઓએ તરત જ ઓક્સિજનની બીજી લાઇન ચાલુ કરી દેતા ઓક્સિજનનો પુરવઠો ચાલુ થઇ ગયો હતો. જેના કારણે દર્દઓને હાલાકી થઇ નહતી. આ અંગે તપાસનો વિગતવાર રિપોર્ટ આવ્યા પછી કોન્ટ્રાક્ટરને ફરીથી આવી ભૂલ ના થાય તે માટે તાકીદ કરવામાં આવશે. તેવું સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે. વધુમાં, કોરોના સમયે પણ આ રીતે એક વખત પ્રેશર અચાનક ઘટી જતા દોડધામ મચી ગઇ હતી. ત્યારબાદ ઓક્સિજનની બે ટેન્ક વચ્ચે વાલ્વ ફિટ કરવામાં આવ્યો છે. જેના કારણે એક ટેન્કમાં ખામી સર્જાય ત્યારે બીજી ટેન્કમાંથી પુરવઠો ચાલુ કરી શકાય.