સરકારી આવાસનું છજુ તૂટી પડતા ઘવાયેલા વૃદ્ધનું પ્રાણ પંખી ઉડી ગયું

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
સરકારી આવાસનું છજુ તૂટી પડતા ઘવાયેલા વૃદ્ધનું પ્રાણ પંખી ઉડી ગયું 1 - image


અરે રે.. હવે તો, જાગો સરકાર

પાંચ દાયકા જુના આવાસમાં ક્ષતિની કોઇ ફરિયાદ નહીં હોવા સાથે ભયજનક પણ જાહેર કરેલું નહીં હોવાનો રિપોર્ટ કરાયો

ગાંધીનગર :  પાટનગરમાં પાંચ દાયકા પહેલા કર્મચારીઓ માટે બાંધવામાં આવેલા મકાનો હવે લોહિયાળ પુરવાર થતાં સરકારે જાગી જવાની આલબેલ વાગી છે. સેક્ટર ૨૯માં રવિવારે ચ ટાઇપના સરકારી આવાસનું છજુ તૂટીને માથે પડવાથી ઇજાગ્રસ્ત બનેલા રહેવાસી વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. ત્યારે આ મુદ્દે તંત્ર દ્વારા આવાસમાં ક્ષતિની કોઇ ફરિયાદ નહીં હોવા સાથે ભયજનક પણ જાહેર કરેલું નહીં હોવાનો રિપોર્ટ કરાયો છે.

બાંધકામ અકસ્માતના આ બનાવમાં સેક્ટર ૨૯ની સરકારી વસાહતમાં આવેલા ચ ટાઇપના ૩૨-૫ નંબરના મકાનમાં રહેતા નુરમહંમદ બચુભાઇ મન્સુરી નામના ૬૪ વષય વૃદ્ધે પ્રાણ ગુમાવ્યા હતાં. નોંધવું રહેશે, કે ઉપરોક્ત મકાન ૫૨ વર્ષ જુનુ હોવાનું જણાવવામાં આવ્યું છે. પાટનગર યોજના વિભાગના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ઉપરોક્ત મકાને ભયજનક જાહેર કરવામાં આવેલુ ન હતું. આ ઉપરાંત મકાનમાં વસવાટ કરતા કર્મચારી લાભાર્થી દ્વારા આ મકાન ક્ષતિગ્રસ્ત બન્યુ હોવા સંબંધમાં પણ કોઇ ફરિયાદ આપવામાં આવેલી ન હતી. ઉપરાંત તંત્ર દ્વારા પણ આ મકાન જર્જરિત હોવાની કોઇ નોટિસ આપવામાં આવેલી ન હતી. ત્યારે ઇજનેરી અભિપ્રાય એવો મળી રહ્યો છે, કે એલીવેશન માટે બાંધવામાં આવેલી અને જેને લટકતી દિવાલ કહેવામાં આવે છે. તેમાં અંદરના ભાગેથી લોખંડના સળિયાને કાટ લાગી જવાની સ્થિતિમાં તે તૂટી પડયું હોવાની શક્યતા જોવાઇ રહી છે.

તંત્ર દ્વારા ૪,૫૦૦ આવાસોને વપરાશ માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યાં

વિવિધ સેક્ટરોમાં સરકારી આવાસોમાં રહેતા સ્થાનિક રહેવાસીઓની ફરિયાદોમાં છેલ્લા એક દાયકા દરમિયાન વધારો થયાની વાત ઇન્કારી શકાય તેમ નથી. પાંચ દાયકા પહેલ બાંધવામાં આવેલા આવાસો યોગ્ય જાળવણીના અભાવે જર્જરિત હાલતામાં આવી ગયાં છે. તંત્ર દ્વારા ૪,૫૦૦ જેટલા આવાસને વપરાશની કક્ષામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને ભયજનક જાહેર કરાયેલા આવાસોને તબક્કાવાર તોડી પાડવાનું પણ શરૃ કરવામાં આવ્યું છે.

આવાસના સમારકામના ખાનગીકરણ બાદની દે ઠોક કામગીરી પણ જવાબદાર

સરકારી આવાસોનું સમારકામ પણ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ ત્યાં સુધી કોઇ મોટી સમસ્યા ન હતી. પરંતુ દાયકા પહેલા આ કામગીરીનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ હતું. હવે સેક્ટરના સુવિધા કેન્દ્રોમાં કડિયા, પ્લમ્બર, ઇલેકટ્રિશ્યન વિગેરે સરકારી કર્મચારી હોતા નથી. પરંતુ તેના માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. ખાનગી પેઢીના માણસો દે ઠોક પ્રકારની અને થાગડ થિગડ જેવી કામગીરી કરતા હોવાથી જુના આવાસોની અવદશા બેસી ગઇ છે.


Google NewsGoogle News