વડોદરા : આજવા સરોવરની સપાટી 212.50 ફૂટે પહોંચી
- હવે વરસાદ થતા સપાટી બહુ વધે તો આજવામાંથી પાણી છોડવા અંગે નિર્ણય થઈ શકે
વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2022,સોમવાર
વડોદરા કોર્પોરેશનના પાણીના મહત્વના ઐતિહાસિક સોર્સ આજવા સરોવરમાં પાણીની સપાટી આજે સવારે 212.50 ફૂટ થઈ હતી. આજવા સરોવર અને ઉપરવાસ વિસ્તારમાં વરસાદથી છેલ્લા એક સપ્તાહમાં સપાટીમા .80 નો વધારો થયો છે. હજુ પણ વરસાદી માહોલ છે, અને સામાન્ય વરસાદની આગાહી છે એ જોતા જો આજવા વિસ્તારમાં વરસાદ પડે તો સપાટીમાં વધારો થતાં પાણી છોડવા અંગે નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે. બીજી બાજુ બે ત્રણ દિવસથી ઉઘાડ છે. આજવામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો નથી છે, એટલે હાલના તબક્કે સપાટીમાં બહુ વધારો થાય તેવી શક્યતા ઓછી છે. આજવામાં મોસમ નો કુલ વરસાદ 1,051 મિલીમીટર થઈ ગયો છે. આજવા સરોવરમાં 30 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટ થી વધુ પાણી નહીં ભરી શકાય. સપ્ટેમ્બર પૂરો થયા બાદ આજવામાં વધુ પાણી ભરી શકાશે, સપ્ટેમ્બર પૂરો થવા આડે હવે દસેક દિવસ બાકી છે અને જો સામાન્ય વરસાદથી સપાટીમાં બહુ મોટો ફરક નહીં થાય તો આજવામાં લેવલ કદાચ જાળવી પણ રાખવામાં આવે તેવી શક્યતા છે.