કારેલીબાગ બેન્કની મહિલા મેનેજરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું
દહેજ બાબતે સાસરિયાનો ત્રાસ હોવાનો પરિવારજનોનો આક્ષેપ : ગુનો દાખલ થવાની તજવીજ
વડોદરા,કારેલીબાગની આઇ.ડી.બી.આઇ. બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતી ૨૯ વર્ષની મહિલાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, તેમની દીકરીને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમા - સાવલી રોડ પર અજીતા નગરમાં રહેતા શ્રીભગવાન છીલ્લરની પુત્રી પિન્કી ( ઉં.વ.૨૯) ના લગ્ન ગત તા. ૩૧ - ૦૩ - ૨૦૨૪ ના રોજ થયા હતા. પિન્કી કારેલીબાગની આઇ.ડી.બી.આઇ. બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતી હતી. તેના પતિ સોનુસીંગ પૂનાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પિન્કીબેન અગાઉ માતા સાથે વડોદરા રહેતા હતા. હાલ તેમની માતા વતન હરિયાણામાં રહે છે. તેમના પતિ પણ પૂના રહે છે. અંહીયા તેઓ એકલા રહેતા હતા. નવરાત્રિ અને દશેરના તહેવારને અનુલક્ષીનેે હાલમાં તેમના પતિ વડોદરા આવ્યા હતા. ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે તેમના પતિ વોકિંગ માટે નીકળ્યા હતા. થોડીવાર પછી તેઓ દોડતા ઘરે પરત આવ્યા હતા. ઘરનો દરવાજો બંધ હોઇ પાડોશીઓની મદદથી તેમણે દરવાજો તોડાવ્યો હતો. ઘરમાં અંદર જઇને જોયું તો તેમના પત્ની પિન્કીબેને ફાંસો ખાઇ લીધો હતો. તેમણે તરત ફાંસો કાપી નાંખી પત્નીને નીચે ઉતારી નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, પત્નીનો જીવ બચ્યો નહતો. પિન્કીબેનનો મૃતદેહ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. હરણી પોલીસનું જણાવવું છે કે, પિન્કીબેનના પરિવારજનોએ દહેજનો આક્ષેપકર્યો હોઇ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે, કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પરંતુ, પતિ જે રીતે ઘરે પરત આવ્યો તે જોતા એવું લાગી રહ્યું છે કે, પત્નીએ આપઘાત કરતા પહેલા પતિ સાથે વાતચીત કરી હશે. પિન્કીબેનના મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવશે.