સયાજી હોસ્પિટલમાં રોજના ૧૦૦૦ થી વધુ દર્દીઓની રસોઇ બનાવતું રસોડું બંધ થઇ જશે
રસોઇનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિંગથી આપી દેવાશે : સરકારમાં પ્રપોઝલ પેન્ડિંગ છે
નવું રસોડું કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં શરૃ શથે
વડોદરા,સયાજી હોસ્પિટલના દર્દીઓ માટે ચાલતું રસોડું હવે ટૂંક સમયમાં બંધ થઇ જશે. દર્દીઓ માટે રસોઇ બનાવવાનું કામ આઉટ સોર્સિંગથી આપવામાં આવશે. તેનું પ્રપોઝલ રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે. સયાજી હોસ્પિટલમાં નવી બંધાતી બિલ્ડિંગના કારણે રસોડા માટેની જગ્યા અપૂરતી હોવાથી હવે રસોડું કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં શરૃ કરાશે.
શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલમાં જ રસોડું ચાલી રહ્યું છે. જેમાં રોજના એક હજારથી વધુ દર્દીઓની રસોઇ બનતી હોય છે. સૌથી વધુ રસોઇ ગાયનેક, પિડિયાટ્રિક વિભાગના દર્દીઓને જતી હોય છે. હાલમાં ઉનાળો હોવાથી ઝાડા - ઉલટીના દર્દીઓ વધુ આવતા હોવાથી હમણાં મેડિસિન વિભાગમાં પણ રસોઇ વધુ જાય છે. સયાજી હોસ્પિટલમાં રોજના ૧,૫૦૦ દર્દીઓની રસોઇ બનાવવાની ક્ષમતા છે. હાલમાં કિડની અને અન્ય રોગોની અત્યાધુનિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં હાલનું રસોડું નડતરરૃપ હોવાથી તે બિલ્ડિંગ તોડીને કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં રસોઇ માટે આઉટ સોર્સિંગથી કામ સોંપવાની વિચારણા ચાલી રહી છે. તે અંગેનું પ્રપોઝલ પણ રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે છે. આ સંસ્થા રાજ્યની અમદાવાદ, જામનગર જેવી અન્ય સરકારી હોસ્પિટલમાં હાલ દર્દીઓને રસોઇ આપી રહી છે.
કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં રસોડું ખસેડવા માટે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે, અમે સરકાર પાસે મંજૂરી માંગી છે. પરંતુ, હાલ ઇલેક્શનના કારણે મંજૂરી આવી નથી. ટૂંક સમયમાં મંજૂરી આવી ગયા પછી રસોડું શિફ્ટ કરવામાં આવશે.
દર મહિને અનાજ ખરીદી પાછળ લાખો રૃપિયા વધુ ચૂકવાય છે
વડોદરા,હાલમાં રસોઇ માટે સપ્લાય થતા અનાજનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે. જેના કારણે જૂના કોન્ટ્રાક્ટર પાસેથી અનાજ ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં અન્ય સ્થળેથી ખરીદવામાં આવતા અનાજના ભાવમાં સો થી દોઢસો ટકાનો ભાવ વધારો છે. જેના કારણે સરકારને દર મહિને દર મહિને લાખો રૃપિયા વધુ ચૂકવવા પડે છે. એક અંદાજ મુજબ, અગાઉ ૧૫ લાખનું અનાજ ખરીદ થતું હતું. તેટલું જ અનાજ હાલમાં ૨૫ થી વધુ લાખમાં ખરીદવામાં આવે છે. જે અંગે તબીબી વિભાગના અગ્ર સચિવને રજૂઆત પણ કરવામાં આવી છે.
પ્રોટિનની જરૃરિયાતવાળા દર્દીઓ ઇંડાના અભાવે મુશ્કેલીમાં
વડોદરા,સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કે જેઓને પ્રોટિનની વધુ જરૃરિયાત હોય છે. તેવા દર્દીઓ માટે ઇંડાની ખરીદી કરવામાં આવતી હોય છે. રોજના ૭૦૦ જેટલા ઇંડાઓની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ, હાલમાં ઇંડાની ખરીદી થતી નહીં હોવાથી દર્દીઓને અપાતા નથી. આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે, ઇંડાના ભાવ વધાર્યો હોવાથી તેની ખરીદી અટકી ગઇ છે. જે અંગે વિભાગને કરી દેવામાં આવી છે. જોકે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, જ્યારે શાકભાજી અને અનાજની ખરીદી બહારથી થતી હોય ત્યારે ઇંડાની ખરીદી કેમ થતી નથી ?
ખાદી ગ્રામોદ્યોગમાંથી અનાજ કરિયાણાની ખરીદી
વડોદરા,રસોઇ માટે થતી અનાજની ખરીદીનું ટેન્ડર પૂરૃં થઇ ગયા પછી છેલ્લા ત્રણ મહિનાથી નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. કારણકે હવે રસોઇનો જ કોન્ટ્રાક્ટ આપી દેવાનો છે. અનાજની ખરીદી હાલમાં બહારના કોઇ વેપારી પાસેથી કરવામાં આવતી નથી. સરકારની મંજૂરી મેળવીને ખાદી ગ્રામોદ્યોગ પાસેથી જ અનાજની ખરીદી કરવામાં આવે છે.
રસોડામાં કામ કરતા ૧૭ કર્મચારીઓ ફાજલ પડશે
વડોદરા,સયાજી હોસ્પિટલના દર્દીઓ માટે રસોઇ બનાવવા માટે કાર્યરત રસોડું ટૂંક સમયમાં બંધ થઇ જશે. તેના કારણે હાલમાં રસોડામાં કામ કરતા ૧૯ કર્મચારીઓ ફાજલ પડશે. તેઓને અન્ય ડિપાર્ટમેન્ટમાં સમાવવામાં આવશે.
કોન્ટ્રાક્ટરે જૂના ભાવે સપ્લાય કરવાની ના પાડતી બહારથી ખરીદી શરૃ કરી
વડોદરા,અનાજ સપ્લાયનો અગાઉ કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારીઓનું કહેવું છે કે, અમે જે ભાવે અનાજ આપતા હતા. તેના કરતા વધુ ઉંચા ભાવે ખરીદી થઇ રહી છે. જે અંગે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે કે, અમે વેપારીઓને જૂના ભાવે સપ્લાય કરવા માટે કહ્યું હતું. પરંતુ, તેઓએ અમારી વાત માન્ય રાખી નહતી. જેના કારણે ખાદી ગ્રામોદ્યોગ પાસેથી ખરીદી શરૃ કરી છે.