રણછોડજી મંદિરમાં તોપની સલામીનો ચૂકાદો હવે 29 વર્ષ બાદ આવશે
તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક, શનિવારે નવલખીમાં ટેસ્ટિંગ
વડોદરા : અયોધ્યામા ભગવાન શ્રી રામજી પરત ફર્યા છે તેની અસર હવે વડોદરામાં પણ અનુભવાઇ રહી છે. એમ.જી.રોડ પર આવેલા રણછોડજી મંદિરમાં દેવ દિવાળીએ વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા સુરક્ષા કારણોસર ૨૯ વર્ષ પહેલા બંધ કરાઇ હતી. આ મામલે મંદિરના પૂજારી કોર્ટમાં પહોંચ્યા હતા. હવે ૨૯ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવાની સંભાવના ઉભી થઇ છે. કોર્ટે તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂંક કરી છે.
એમ.જી.રોડ પર આવેલા રણછોડજી મંદિરમાં દેવ દિવાળીએ વરઘોડામાં તોપ ફોડવાની ૧૫૦ વર્ષ જૂની પરંપરા ૧૯૯૬થી સુરક્ષાના કારણથી બંધ કરાઇ છે
આ કેસ છેલ્લા ૨૯ વર્ષથી વડોદરા સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ અંગે વાત કરતા સરકારી વકીલ જીગ્નેશ કંસારા કહે છે કે હવે કેસ ફાઇનલ સ્ટેજ ઉપર આવ્યો છે. કોર્ટ સમક્ષ એ પ્રશ્ન ઉભો થયો કે હાલમાં તોપ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહી તેની તપાસ કરવામાં આવે એટલે બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એ.આર.પટેલે તોપના પરીક્ષણ માટે ઓર્ડર કર્યો છે. કોર્ટ કમિશનર તરીકે એડવોકેટ કૌશીક ભટ્ટ અને નેહલ દવેની નિમણૂંક કરવામાં આવી છે. તા.૨૭ જાન્યુઆરી શનિવારે નવલખી મેદાન પર તોપમાં ૧૦ ધડાકા કરીને તેનું પરીક્ષણ કરવામાં આવશે.
વડોદરામાં ઉપલબ્ધ નહીં હોવાથી દારૃગોળો પાલનપુરથી લાવવામાં આવ્યો
તોપના પરીક્ષણ માટે વડોદરા સિવિલ કોર્ટે બે કોર્ટ કમિશનરની નિમણૂંક કરી છે. શનિવારે બપોરે નવલખી મેદાનમાં તોપનું પરીક્ષણ કરવામાં આવશે. આ સમયે ચુસ્ત બંદોબસ્ત માટે એસીપી અને રાવપુરા પીઆઇને બંદોબસ્ત માટે હાજર રહેવા અને મેદાનમાં લોકોની પ્રવેશ બંધી માટે પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. કોર્ટ કમિશરની સાથે પરીક્ષણ વખતે કલેક્ટર કચેરીના અધિકારી પણ હાજર રહેશે.
તોપમાં ૧૦ વખત ધડાકા કરવા માટે દોઢ કિલો દારૃગોળાની જરૃર હોવાની મંદિરના પુજારી જનાર્દન મહારાજે રજૂઆત કરતા કોર્ટે દારૃગોળો ખરીદવાની મંજૂરી આપી છે પરંતુ વડોદરામાં ઉપલબ્ધ નહી હોવાથી મહારાજે આ દારૃગોળો પાલનપુરથી ખરીદ્યો છે. તોપના પરીક્ષણ માટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાનો પણ કોર્ટે હૂકમ કર્યો છે.
તોપ માટે મંદિરના પૂજારીએ ૨૯ વર્ષથી પગરખા નથી પહેર્યા
મંદિરના પૂજારી જનાર્દન મહારાજનું કહેવું છે કે આ તોપ પિત્તળની છે અને આશરે ૧૮૦ વર્ષ જુની છે. પિત્તળ ધાતુ હજાર વર્ષ સુધી ખરાબ થતી નથી એટલે તોપ સંપૂર્ણ સુરક્ષિત છે. અગાઉ વર્ષ ૨૦૦૦ અને વર્ષ ૨૦૧૦માં પણ કોર્ટના હૂકમથી તોપનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ તોપ સુરક્ષિત હોવાના રિપોર્ટ આવ્યા છે.
આ તોપ કોઇને નુકસાન કરે તેવી નથી. તેમાં એક ધડાકા માટે માંડ ૧૫૦ ગ્રામ દારૃગોળો ચિથરાની મદદથી દબાવીને ભરવામાં આવે છે અને પછી વાટમા દિવાસળી ચાપવાથી ધડાકો થાય છે. આ વિસ્ફોટ ૪૦ થી ૪૦ ફૂટ દૂર સુધી જાય છે. સૂતળી બોમ્બ કરતા થોડો વધારે આવાજ થાય છે.
રણછોડરાયજી તો આખા બ્રહ્માંડના રાજા છે તેના વરઘોડામાં તોપની સલામી આપવી પડે. તોપની પરંપરા ચાલુ કરવા માટે છેલ્લા ૨૯ વર્ષથી હું કોર્ટમાં લડત લડી રહ્યો છે. મે ૨૯ વર્ષથી પગમાં પગરખા નથી પહેર્યા. બાધા લીધી છે કે તોપની પરંપરા ચાલુ થશે પછી જ પગરખા પહેરીશ.