સોની પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસમાં તપાસ અટકી પડી
પિતા - પુત્ર બંને આઇ.સી.યુ.માં સારવાર હેઠળ હોઇ પૂછપરછ થઇ શકી નથી
વડોદરા,તરસાલી નંદનવન સોસાયટીમાં રહેતા પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસમાં મુખ્ય આરોપી અને તેનો પુત્ર હજી સારવાર હેઠળ હોવાથી તેમજ ચૂંટણી બંદોબસ્તના કારણે આગળની તપાસ અટકી પડી છે. તેઓ ભાનમાં આવ્યા પછી જ વધુ રહસ્યો ખૂલશે.
મૃતક બિંદુબેનના ભાઇ મનોજભાઇ સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા બનેવી ચેતન સોની ગત તા.૧ લી એ રાતે શેરડીનો રસ ઘરે લાવ્યા હતા.તેઓએ શેરડીના રસમાં ઝેર જેવું કેમિકલ ભેળવીને મારી બહેન બિંદુ,મારા ભાણેજ આકાશ તથા મારી બહેનના સસરા મનહરભાઇને પીવડાવી દેતા તેઓને ઝાડા ઉલ્ટી થઇ ગયા હતા. ત્રણેયને પાડોશીઓની મદદથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ,તેઓએ શેરડીના રસમાં ઝેર ભેળવ્યાની વિગતો છૂપાવી હતી. સારવાર દરમિયાન મારી બહેન બિંદુ તથા બિંદુના સસરા મનહરભાઇનું મોત થયું હતું. ત્યારબાદ તેઓએ પણ ઝેર ગટગટાવી લીધું હતું. ચેતન સોની અને તેમનો પુત્ર આકાશ હાલમાં સારવાર હેઠળ છે. તેઓ નિવેદન આપી શકે તેની સ્થિતિમાં નહીં હોવાથી હજી કોઇ વધુ વિગતો મળી નથી.