ભરૃચની બેન્કમાં ૪૨ ખાતા ખૂલતા તપાસનો રેલો દુબઇ પહોંચ્યો
બેન્ક ખાતુ ખોલાવીને વિદેશી નાણાના ટ્રાન્ઝેકશનનું ષડયંત્ર ઝડપાયું
૧૦ હજારની લાલચ આપી ટોળકી ખાતુ ખોલાવતી : ખાતુ ખૂલ્યા બાદ ભેજાબાજો મોબાઇલ નંબર બંધ કરી દેતા
ભરૃચ,ભરૃચમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવા ૧૦ હજારની લાલચ આપી ડોકયુમેન્ટસ મેળવી વિદેશી નાણાના ટ્રાન્ઝેકશનનું કૌભાંડ ઝડપાયું છે. જેની તપાસનો રેલો દુબઇ સુધી પહોંચ્યો છે. ભરૃચના એક આદિવાસી મહિલાના નામે બેન્ક એકાઉન્ટ ખોલતા તેની તપાસમાં ભોપાળુ બહાર આવ્યું છે. આવા ૪૨ એકાઉન્ટ ખૂલ્યા છે અને તેની તપાસ એસઓજી પોલીસ કરી રહી છે.
ભરૃચની એક બેંકમાં ખાતેદાર બેન્ક એકાઉન્ટ ખોલાવતા પાસબૂક, ચેકબુક અને એટીએમ કાર્ડ મળી ગયા બાદ બેન્કમાં આપેલો મોબાઇલ નંબર બંધ થઇ જતા બેન્ક મેનેજરને શંકા જતા તેમણે અરજી આપતા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાનું બેન્ક એકાઉન્ટ ખૂલતા અને તેને ગઠિયાએ ૧૦ હજારની લાલચ આપી ડોકયુમેન્ટ મેળવ્યા હોવાનો ભાંડો ફૂટતા સુરત અને ભરુચ બાદ દુબઇ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે.
ભરૃચની એક બેન્કમાં ૩૧ બેન્ક એકાઉન્ટ ખુલ્યા હતા. આ બેન્ક એકાઉન્ટોમાં જે મોબાઇલ નંબર દર્શાવવામાં આવેલા આ નંબરો અને નામથી બેન્ક એકાઉન્ટ ખુલ્યા હતા. જેમાં એટીએમ કીટ, પાસબુક અને ચેકબુક સહિત આપી દેવાયા હતા, પણ એ પછી એટીએમ કાર્ડ એકિટવ થતા ભેજાબાજોએ મોબાઇલ નંબર બંધ કરી દીધા હતા. જેથી ચોંકી ઉઠેલા બેન્ક મેનેજરે એસઓજી પોલીસને આપેલી અરજી બાદ ૪ મહિનાથી પોલીસ તપાસ કરી રહી હતી. ભરૃચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મીનાબેન વસાવાના નામે એક એકાઉન્ટ ખુલ્યુ ંહતું. આ મહિલાના બનેવી અલ્પેશ પટેલે જણાવેલું કે સુરતના ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાએ મને કહ્યું છે કે તમારા ઓળખીતામાં કોઇ બેન્ક એકાઉન્ટ ખોલાવશે તો તેને ૧૦ હજાર રૃપિયા એકાઉન્ટ ખુલી ગયા બાદ મળશે. તેમને પોતાના બનેવીએ આવી લાલચ આપી ડોકયુમેન્ટ મેળવ્યા હોવાની કબુલાત ફરિયાદી મીનાબેન કરી હતી.
આ મામલે એસઓજી પોલીસે સુરત વરાછાના માતૃશકિત સોસાયટી, પુણા ગામના રહીશે સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાની ધરપકડ કરી હતી. તપાસ કરતા જણાયું હતું કે તેઓ ગરીબ અને જરુરિયાત મંદ લોકોને ટાર્ગેટ કરી, મામુલી રકમ આપી તેના દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરી તથા ખોટા ડોકયુમેન્ટ બનાવતા હતા. જેના ડોકયુમેન્ટ લીધા હોય તેમને ૧૦-૧૫ હજાર આપતા હતા. તેમના એકાઉન્ટોનો વિદેશી નાણાના ટ્રાન્ઝેકશન માટે ઉપયોગ કરી હેરાફેરીનું નેટવર્ક ચલાવતા હતા. સુરત કામરેજના ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા દશરથ ધાંધલિયા પણ આ પ્રકરણમાં સંડોવાયેલા છે અને દુબઇ, બેંગકોક ખાતેથી વિડ્રોલ કરી મોટી રકમનું કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં દુબઇના રહીશ વૈભવ પટેલ રૃપિયાનું ટ્રાન્ઝેકશન કરતા હોવાનું કૌભાંડ એસઓજી પોલીસે ખુલ્લુ પાડી આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.