હરણીની બોટ દુર્ઘટનામાં પકડાયેલા અને ફરાર આરોપીઓની પ્રોપર્ટીની તપાસ શરૃ
એફ.એસ.એલ.નો પ્રાથમિક રિપોર્ટ કે, ઓવર કેપેસિટીના કારણે બોટ પલટી
વડોદરા,હરણી લેકઝોન દુર્ઘટનાની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓના બેન્કની ડિટેલ અને પ્રોપર્ટીની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. દરમિયાન એફ.એસ.એલ.ના રિપોર્ટમાં પણ બોટ ઓવર કેપેસિટીના કારણે ડૂબી ગયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે.
૧૮ મી જાન્યુારીના રોજ હરણી તળાવમાં બોટ દુર્ઘટના સર્જાઇ હતી. લેકઝોનમાં ઓપરેટરની બેરદકારીથી બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવની તપાસ માટે સિટની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, બનાવમાં કોર્પોરેશનની બેદરકારી અંગે પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની બેદરકારી અંગે પણ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસે તપાસ દરમિયાન લીધેલા નિવેદનો અને પુરાવાઓના આધારે બોટ ઓવર કેપેસિટીના કારણે પલટી ગઇ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી હતી.એફ.એસ.એલ.ના પ્રાથમિક રિપોર્ટ મુજબ, ઓવર કેપેસિટીના કારણે જ બોટ પલટી હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન પોલીસની ટીમ દ્વારા પકડાયેલા અને ફરાર આરોપીઓની પ્રોપર્ટીની તપાસ ચાલી રહી છે.