વૃધ્ધ વકીલની કરપીણ હત્યાના ગુનામાં પોલીસની તપાસ કાર્યવાહી શંકાના ઘેરામાં
સામાન્ય કેસમાં ૭ થી ૧૦ દિવસના રિમાન્ડ માંગતી તાલુકા પોલીસે આવા ગંભીર ગુનામાં માત્ર ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા
વડોદરા,ગોત્રીમાં રહેતા વૃધ્ધ વકીલની સિંઘરોટ પાસે મિનિ નદીના બ્રિજ પર કરપીણ હત્યા કરવાના ગુનામાં સામેલ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તાલુકા પોલીસની તપાસ પદ્ધતિથી વકીલો નારાજ છે. આ અંગે તેઓ આવતીકાલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે.
ગોત્રી ગાયત્રી વિદ્યાલયની સામે મહીનગરમાં રહેતા ૭૫ વર્ષના વકીલ વિઠ્ઠલપ્રસાદ મગનલાલ પંડિત પર ઘાતક હથિયારથી હુમલો કરી સિંઘરોટ અમરાપુરા ગામની સીમમાં મિનિ નદીના બ્રિજ પર કરપીણ હત્યા થઇ હતી.
આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થયા બાદ પોલીસે નરેશ બાબુભાઇ રાવળ (રહે.શિવાલય હાઇટ્સ, ગોત્રી)ની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી પોલીસને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં હું મંદિરે જતો હતો. ત્યારે વિઠ્ઠલપ્રસાદ સાથે મારી તકરારના મુદ્દે વાતચીત થઇ હતી. તેમણે મારો કેસ લડવા તૈયારી બતાવી હતી . તેઓ કેસની તારીખના બહાને ઘેર બોલાવી મારી પત્ની સાથે અડપલા કરતા હતા. પરંતુ, તેઓ કેસ લડતા હોવાથી ત્યારે મેં નજરઅંદાજ કર્યુ હતું.
ગઇકાલે તેઓ રણુ મંદિરે ફરવા જઇએ તેમ કહી મારી ગાડીમાં મને તેમજ મારી પત્ની સાથે દર્શન માટે ગયા હતા. ત્યારે મોકો મળતાં વિઠ્ઠલપ્રસાદે મારી પત્ની સાથે છેડતી કરી હતી. મારી પત્નીએ હજી પણ આવું કરે છે. તેવી મને ફરિયાદ કરતાં મે માથામાં રોડ માર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી માત્ર ત્રણ દિવસના રિમાન્ડ માંગતા આશ્ચર્ચ સર્જાયુ હતું. વિથ પ્રોસિક્યુશન હાજર થયેલા વકીલ પ્રવિણ ઠક્કરે પોલીસની કાર્યવાહીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, સામાન્ય દારૃના કેસમાં પોલીસ ૭ થી ૧૦ દિવસના રિમાન્ડ માંગે છે. સિનિયર વકીલની કરપીણ હત્યાના ગંભીર ગુનામાં પોલીસ માત્ર ત્રણ દિવસના રિમાન્ડ માંગે છે. જે પોલીસની તપાસ પદ્ધતિ સામે પ્રશ્ન ઉભો કરે છે. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવતીકાલે આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે વડોદરાના વકીલો દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવશે. આ મર્ડર કેસ પૂર્વ આયોજીત કાવત્રું હોવાની શંકા વ્યક્ત કરતા વકીલે જણાવ્યું હતું કે, આ કેસમાં અન્ય બે થી ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે.