ISKCON મંદિરમાં ચોરી કરનાર મંદિર ચોરની નજર સ્વામિનારાયણ મંદિર પર પણ હતી, ઓનલાઇન સર્ચ કરતો હતો
વડોદરાઃ ગોત્રીના ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ચોર મંદિરોને ટાર્ગેટ કરતો હોવાની વિગતો ગોત્રી પોલીસની તપાસમાં ખૂલી છે.ઓનલાઇન મંદિરોને સર્ચ કર્યા બાદ કાપડની ફેરીના નામે રેકી કરી પૂજાનો સમય અને અન્ય માહિતી એકત્રિત કરતો ચોર તક મળતાં જ ત્રાટકતો હોવાની માહિતી મળી છે.
ગોત્રીના ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં દાગીનાની ચોરી થતાં પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટીમો બનાવી તપાસ કરતાં સીસીટીવી ફૂટેજમાં સવારે પાંચેક વાગે મંદિરની બહાર પોટલું લઇને જતો એક શકમંદ નજરે પડયો હતો.જેથી ગોત્રીના પીઆઇ આર એન પટેલ અને ટીમે વધુ તપાસ કરી હતી.આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.
ચોર સયાજીગંજની હોટલમાં પહોંચ્યો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો.જેથી પોલીસે તપાસ કરતાં ચોરનું નામ સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસ (બાલીપાડા, ઓરિસ્સા) હોવાનું ખૂલ્યું હતું.તે તા.૧૦મીએ હોટલમાં આવ્યો હતો અને બે દિવસ બાદ ચાલ્યો ગયો હતો.ઇસ્કોનની જેમ કારેલીબાગના સ્વામિનારાયણ મંદિર વિશે પણ તેણે સર્ચ કર્યું હતું.
પોલીસે તેની વધુ તપાસ કરતાં હોટલમાંથી નીકળ્યા બાદ સંતોષ અંતર્યામી ટ્રાવેલની બસમાં સુરત અને ત્યાંથી નાગપુર ગયો હોવાના સગડ મળ્યા હતા.જેથી નાગપુર પોલીસને આરોપીની માહિતી અને સિટ નંબર આપતાં ત્યાંની પોલીસે તેને ઝડપી પાડયો હતો.પકડાયેલા ચોરને વડોદરા લાવતાં તેની પાસે રૃ.૨૦.૬૩ લાખનો મુદ્દામાલ મળ્યો હતો.ચોરે નાગપુર,ગોવા,આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવા સ્થળોએ મંદિરોમાં ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતાં પોલીસે તેની ખરાઇ કરવા તા.૧૭ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ઇસ્કોનના દોઢ લાખના દાગીના ચોરાયા,20 લાખના પરત મળ્યા
ગોત્રીના ઇસ્કોન મંદિરમાં ચોરીના બનેલા બનાવને પગલે ભારે ઊહાપોહ થયો હતો.ચૂંટણી દરમિયાન પોલીસની સતત હાજરી,આખી રાત વાહનચેકિંગ અને તેમ છતાં સુરક્ષિત સ્થાનમાં ગર્ભગૃહ સુધી પહોંચીને ચોરી કરવાનો બનાવ શહેરમાં ચર્ચાની એરણે રહ્યો હતો.પૂજારી અને મંદિરના અન્ય આગેવાનોએ ફરિયાદ નોંધાવી ત્યારે રૃ.દોઢ લાખના દાગીના ચોરાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પરંતુ જ્યારે ચોર પકડાયો ત્યારે તેની પાસે રૃ.૨૦.૬૩ લાખના દાગના મળ્યા હતા.જે તમામ દાગીના ઇસ્કોન મંદિરના હતા.
ઇસ્કોન મંદિરમાં ચોરે કેવી રીતે ચોરી કરી તે બતાવ્યું
રિમાન્ડ પર લેવાયેલા ચોરને આજે ગોત્રી પોલીસ ઇસ્કોન મંદિરમાં લઇ ગઇ હતી અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.ચોર કેવી રીતે આવ્યો અને કામ પતાવી નીકળ્યો તે જોઇ પોલીસ પણ દંગ રહી ગઇ હતી.