ગોત્રી મેડિકલ કોલેેજની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર ઇન્ટર્ન ડોક્ટરને ડીગ્રી ના મળી,છેલ્લા દિવસે જ પોત પ્રકાશ્યું
વડોદરાઃ ગોત્રી મેડિકલ કોલેજની ટેરેસ પર મેડિકલ કોલેજની જુનિયર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર ઇન્ટર્ન ડોક્ટરને આજે મેડિકલ કોલેજમાં કોન્વોકેશન દરમિયાન ડીગ્રી મળી નહતી.
ગોત્રી મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના સિનિયર ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય પ્રકાશકુમાર જોષી (ગાંધીનગર) સાથે મિત્રતા દરમિયાન થયેલી વાતચીતની ઓડિયો વાયરલ કરવાની ધમકી આપી મેડિકલ કોલેજની ટેરેસ પર અકુદરતી સેક્સ માણ્યું હોવાની ફરિયાદ નોંધાતા ગોરવા પોલીસે ઇન્ટર્ન ડોક્ટરની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે.
પોલીસની તપાસ દરમિયાન નિર્ભય જોષીની ઇન્ટર્નશિપ પુરી થવાના છેલ્લા દિવસે જ આ બનાવ બન્યો હોવાની વિગતો બહાર આવી છે.આજે મેડિકલ કોલેજ ખાતે કોન્વોકેશન યોજાયું હતું.જેમાં નિર્ભય જોષી હાજર રહી શક્યો નહતો અને તેને ડીગ્રી મળી નહતી.
ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયા અને ટીમે આજે આરોપી નિર્ભયને લઇ બનાવના સ્થળે પંચનામું કર્યું હતું.આ ઉપરાંત પોલીસ તેને હોસ્ટેલમાં પણ લઇ ગઇ હતી.જે દરમિયાન વિદ્યાર્થીઓના ટોળાં જામ્યા હતા.
ગોત્રી મેડિકલ કોલેજમાં એન્ટિ રેગિંગની મીટિંગ,રાતે 9.30 પછી લાયબ્રેરી બંધ
ગોત્રી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે અકુદરતી સેક્સના બનાવને પગલે મેડિકલ કોલેજના ડીને એન્ટિ રેગિંગ કમિટિની મીટિંગ લઇ કેટલાક નિયમો બદલ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ,ગોત્રી મેડિકલ કોલેજના ઉપરોક્ત બનાવ બાદ ડીન ડો.મયૂર અડાલજાએ એન્ટિ રેગિંગ કમિટિની મીટિંગ બોલાવી લાયબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ રાતે ૯.૩૦ પછી નહીં બેસી શકે તેવો નિર્ણય લીધો છે.તેને બદલે વિદ્યાર્થિનીઓ ગર્લ્સ હોસ્ટેલના રિડિંગ હોલમાં વાંચી શકશે.
વિદ્યાર્થિની મોડી રાતે હોસ્ટેલમાંથી બહાર જાય તો મહિલા સિક્યુરિટીની પરવાનગી લેવાની હોય છે.ઉપરોક્ત કેસમાં વિદ્યાર્થિનીને મોડું થતાં ગાર્ડ દ્વારા ફોન પણ કરવામાં આવ્યો હતો.હવે પછી ગાર્ડને પૂછપરછ કરવાની વધુ છૂટ આપવામાં આવશે.
પેન ડ્રાઇવની વાત ઉપજાવી કાઢી હતી, મોબાઇલ ફોરેન્સિકમાં મોકલાશે
વિદ્યાર્થિનીને દબાણમાં લાવવા માટે ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય જોષીએ વાતચીતની ઓડિયો ક્લિપ પેન ડ્રાઇવમાં હોવાની વાત ઉપજાવી કાઢી હતી.આરોપીના મોબાઇલમાં મળેલી ઓડિયો ક્લિપમાં કેટલાક વાંધાજનક ઉચ્ચારણો હોવાનું મનાઇ રહ્યું છે.એસીપી આર ડી કવાએ કહ્યું હતું કે,આરોપીનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો છે અને તેને ફોરેન્સિક લેબમાં મોકલી વધુ માહિતી મેળવવામાં આવશે.
પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયું,ફૂટેજ મળ્યા
ગોત્રી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે બનેલા દુષ્કર્મના બનાવમાં ગોરવા પોલીસે પીડિતા અને આરોપી ઇન્ટર્ન ડોક્ટરના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા.પીડિતાને મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જઇ કલમ સીઆરપીસી કલમ ૧૬૪ હેઠળ નિવેદન પણ લેવામાં આવ્યું હતું.જ્યારે મેડિકલ કોલેજની ટેરેસ પર જતા ફૂટેજ પણ કબજે લેવામાં આવ્યા છે.