હેલ્લો પોલીસ..મારી મમ્મી બીજા લગ્ન કરી રહી છે તેને સમજાવો, માસુમ પુત્રીએ માંગી અભયમની મદદ
વડોદરા,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા નજીકના એક નગરમાં અપરણિત યુવકના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરવા માંગતી માતાને રોકવા માટે માસુમ પુત્રીએ અભયમની મદદ લીધી હતી.
વાઘોડિયા ખાતે રહેતી પુષ્પા નામની આધેડ વયની મહિલા (નામ અને વિસ્તાર બદલ્યા છે) બે સંતાનો સાથે સુખી દાંપત્યજીવન વિતાવી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં રહેતા 24 વર્ષીય એક અપરણિત યુવકના પ્રેમમાં પડી હતી.
બંને વચ્ચેના સંબંધોની જાણ પરિવારજનોને થતા સગા સંબંધીઓએ મહિલાને સમજાવી હતી. પરંતુ તે પ્રેમી યુવક સાથે લગ્ન કરવા મક્કમ હતી. જેથી બંને બાળકો ના અભ્યાસ ઉપર પણ અસર પડી હતી.
મહિલાએ પતિ અને બાળકોને છોડી પ્રેમી સાથે જવાનો નિર્ણય લેતા માસુમ પુત્રીએ અભયમને કોલ કરી મમ્મીને બીજા લગ્ન કરતા રોકવા માટે મદદ માંગી હતી. અભયમની ટીમે પોલીસની સાથે આવી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું.
અનૈતિક સંબંધોનું આયુષ્ય લાંબુ હોતું નથી સમાજમાં પણ તેની કોઈ કિંમત હોતી નથી અને બાળકોનું ભવિષ્ય પણ બગડશે તેમ કહી મહિલાને સમજાવતા તેણે પ્રેમીને છોડી પોતાના પરિવાર સાથે રહેવાનું અને બાળકોનું ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું હતું.