દહેજમાં લીધેલા બાઇકના હપ્તા નહિં ભરનાર પતિએ પત્નીને પૈસા લાવવા દબાણ કરી માથામાં તવો ફટકારતાં મોત
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં રહેતી પરિણીતા પર દહેજ માટે ત્રાસ ગુજારનાર પતિએ બાઇકના હપ્તાના રૃપિયા લાવવા માટે દબાણ કરી માથામાં તવો ફટકારતાં ગંભીર રીતે ઘાયલ પરિણીતાનું મોત નીપજ્યું હતું.જેથી ગોરવા પોલીસે પતિ મોઇનખાન સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૂળ યુપીના કાસગંજ ખાતેના વતની અને વડોદરામાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પરિણીતાના પિતાએ પોલીસને કહ્યું છે કે,મારી પુત્રીના લગ્ન ગોરવાના મધુનગર ખાતે સોફિયાપાર્કમાં રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા મોઇનખાન ભુરેખાન પઠાણ(મૂળ બરગૈન, કાસગંજ,યુપી)સાથે થયા હતા.
છેલ્લા એક વર્ષથી મોઇનખાન મારી પુત્રીને કોઇને કોઇ રીતે ત્રાસ આપતો હતો.ત્રણ મહિના પહેલાં તે અમારે ઘેર આવ્યો હતો અને રૃ.૨૨ હજારની માંગણી કરી રૃપિયા નહિં મળે તો તમારી દીકરીને પાછી મુકી જઇશ તેમ કહી ચાલ્યો ગયો હતો.લગ્ન વખતે પણ તેણે ટુવ્હીલર ની માંગણી કરતાં હપ્તેથી ટુવ્હીલર લઇ આપ્યું હતું.પરંતુ બાઇકના હપ્તા નહિં ભરાતાં હપ્તાના રૃપિયાની માંગણી માટે મારી પુત્રીને ત્રાસ આપતો હતો.મારી પુત્રી તા.૨૬મી જૂને ઘેર આવી રૃપિયાની વાત કરી હતી.પરંતુ મારી પત્નીએ તેને સમજાવીને મોકલી હતી.
પરિણીતાના પિતાએ કહ્યું છે કે, ત્યારબાદ બીજા દિવસે તા.૨૭મીએ રાતે મારી દીકરીએ તેનો જીવ જોખમમાં હોવાનું કહેતાં હું અને મારી પત્ની રિક્ષા લઇ તેને ઘેર ગયા ત્યારે રસ્તામાં જ પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી હતી.તેણે પતિએ માથાની પાછળ તવો મારી હુમલો કર્યો હોવાનું કહ્યું હતું.તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં તા.૧લીએ સાંજે મોત નીપજ્યું હતું.જેથી ગોરવા પોલીસે ફરાર થઇ ગયેલા મોઇનખાન પઠાણ સામે હત્યા અને દહેજ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા હેઠળ હત્યાની પહેલી ફરિયાદ
ભારતીય ન્યાય સંહિતાનો નવો કાનૂન અમલમાં મુકાયા બાદ વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનમાં દહેજ માટે પત્નીની હત્યા કરનાર પતિ મોઇનખાન સામે હત્યાનો પહેલો ગુનો નોંધાયો છે.અગાઉ આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો નોંધાતો હતો.જે નવા કાયદા મુજબ કલમ ૧૦૩(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.જ્યારે,આઇપીસી ની કલમ ૪૯૮-ક હેઠળ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાતી હતી.જે નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫ લગાવવામાં આવી છે.આ ઉપરાંત દહેજ પ્રતિબંધકની જૂની કલમ ૩ અને ૭ તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળની કલમો પણ લગાવવામાં આવી છે.
પુત્રીનો પિતાને છેલ્લો કોલ..પપ્પા મને લેવા આવો,નહિંતર આ લોકો મારી નાંખશે
માતા-પિતા પહોંચ્યા તો બ્રિજ પાસે પુત્રી લોહીલુહાણ હાલતમાં લથડીયા ખાતી મળી
ગોરવાના સોફિયાપાર્કમાં રહેતા મોઇનખાન ભુરેખાન પઠાણે પિયરમાંથી રૃપિયા નહિં લાવનાર પત્નીની હત્યા કરી તેના થોડી ક્ષણો પહેલાં જ પરિણીતાએ તેના પિતાને ફોન કર્યો હતો.જે પુત્રી અને પિતા માટે છેલ્લો કોલ બની રહ્યો હતો.
તા.૨૭મીએ રાતે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પરિણીતાએ તેના પિતાને ફોન કરી કહ્યું હતું કે,પપ્પા મને લેવા આવો નહિંતર આ લોકો મને માારી નાંખશે.જેથી પિતાને ફાળ પડી હતી અને પત્નીને લઇ મારતી રિક્ષાએ પુત્રીને લેવા નીકળ્યા હતા.
પરંતુ નવાયાર્ડ બ્રિજ પાસે જ પુત્રી લથડિયા ખાતી નજરે પડી હતી.જેથી પિતાએ રિક્ષા ઉભી રાખી જોયું તો પુત્રીના માથાના પાછળના ભાગે લોહી નીકળતું હતું અને તેમનો શર્ટ પણ લોહીવાળો થઇ ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ બોલાવી ઇજાગ્રસ્ત પરિણીતાને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.જ્યાં તે બેભાન રહી હતી અને તા.૧લીએ સાંજે ચારેક વાગે તેનું મોત નીપજ્યું હતું.