ઢોરો પકડવા નીકળેલી કોર્પોરેશનની ટીમ સાથે વાહનો હંકારતા પશુપાલકોને ઠપકો આપતાં હુમલો,તોડફોડ
વડોદરાઃ સમા ના સૂરજનગર વિસ્તારમાં સવારે ઢોરો પકડવા માટે નીકળેલી કોર્પોરેશનની ટીમની સાથે ફુલસ્પીડે વાહનો ચલાવતા પશુ પાલકને ધીરે વાહન ચલાવવાનું કહેતાં ઉશ્કેરાયેલા પશુપાલકોના ટોળાંએ ચાર જણા પર હુમલો કરી તોડફોડ કરી હતી.
સમાના ખોડિયારનગર પાછળ સૂરજનગરમાં રહેતા પૃથ્વીસિંહ બેલદારે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે અમારા ઘર પાસેથી કોર્પોરેશનની ટીમો ઢોર પકડવા માટે જતી હતી ત્યારે તેની સાથે ઢોરોને બચાવવા માટે પશુપાલકો વાહનો ચલાવતા હતા.
મારા ફોઇના દીકરાનો ત્રણ વર્ષનો પુત્ર રમતો હોવાથી ફોઇના દીકરાએ એક બાઇક ચાલકને વાહન ધીરે ચલાવવા કહેતાં તેણે ઝઘડો કરી માર માર્યો હતો.આ વાતની જાણ મહેન્દ્રએ મારા ભાઇ રવિન્દ્રને કરતાં તે વેમાલીથી પરત ફર્યો ત્યારે કેટલાક લોકો દંડા લઇને આવ્યા હતા અને મારા ભાઇને તું કેમ તારા ભાઇનું ઉપરાણું લઇને આવ્યો હતો તેમ કહી લાકડીઓ વડે માર મારતાં તેને માથામાં ઇજા પહોંચી હતી.
પૃથ્વી સિંહે કહ્યું છેકે હું વચ્ચે છોડાવવા માટે પડતાં મને પણ માર માર્યો હતો અને નજીકની દુકાન સુધી લઇ ગયા હતા. દુકાનદાર ઓમપ્રકાશે માર નહિં મારવા માટે કહેતાં તેમને પણ માર મારી દુકાની ચીજો ફેંકી દીધી હતી.પોલીસને બોલાવતાં તેઓ ભાગી ગયા હતા.સમા પોલીસે આ અંગે રોહિત ભરવાડ,લાલો ભરવાડ,વિજય ભરવાડ, ભાવેશ ભરવાડ,વિશાલ ભરવાડ અને બીજા ચારેક જણા સામે હુલ્લડનો ગુનો નોંધ્યો છે.