માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહારની જેલ સ્ટાફ સાથે દાદાગીરી

સૂરજને ભાવનગર જેલથી લાવનાર પોલીસ જવાન સામે પણ ગુનો દાખલ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહારની  જેલ સ્ટાફ સાથે દાદાગીરી 1 - image

વડોદરા,માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહાર  પોલીસ જાપ્તા હેઠળ ભાવનગર જેલથી વડોદરા જેલમાં આવ્યો ત્યારે દારૃના નશામાં વડોદરા જેલ સ્ટાફ સાથે દાદાગીરી કરી હતી. જેલરે સૂરજ  અને જાપ્તા લઇને આવેલા પોલીસ જવાનની સામે રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તંત્રમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ફેલાઇ ગયો છે. ફરજ બજાવવા માટે તેઓ સરકારી પગાર લઇ રહ્યા છે. તેમછતાંય તેઓ આરોપી સાથે મળીને કાયદાનો છડેચોક ભંગ કરી રહ્યા છે. આજવા રોડ ગાયત્રી ભુવન ખાતે રહેતા માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ રમણભાઇ કહારની થોડા સમય પહેલા જ વરણામા પોલીસ સ્ટેશનમાં હોટલ પર મારામારીના કેસમાં પકડાયો હતો.  તેની  પાસા હેઠળ અટકાયત કરી પોલીસે ભાવનગર જેલમાં મોકલી આપ્યો હતો. વડોદરા કોર્ટની મુદ્દત હોવાથી ભાવનગર જેલથી પોલીસ જવાન મહેશકુમાર સોમાજીભાઇ નિનામા ગઇકાલે વડોદરા સેન્ટ્રલ જેલમાં લઇને આવ્યો હતો. વડોદરા જેલના મેન ગેટના સ્ટાફે આરોપીનું નામ, સરનામુ  પૂછતા જ તે છંછેડાયો હતો. તે દાદાગીરી કરીને કહેવા લાગ્યો હતો કે, હું વડોદરાનો સ્થાનિક આરોપી  છું. હું મર્ડર કેસમાં આવ્યો છું. હું દાંડિયાબજારમાં જ રહું છું. તમે મારી સાથે પર્સનલ દુશ્મની ના કરો. 

ત્યારબાદ માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહારે જેલના મેન ગેટની બહાર ઉભેલા તેના મિત્રોને જોર જોરથી બૂમો  પાડીને કહ્યું કે, તમે વીડિયો ઉતારો અને વાયરલ કરો. તે દરમિયાન જેલના મેન ગેટની બહાર સંત્રી પોઇન્ટ પર ફરજ બજાવતા બોર્ડર વિંગના જવાને તે અજાણ્યા લોકોને બહાર મોકલી દીધા હતા.

 આ અંગે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સૂરજ ઉર્ફે ચૂઇ કહાર તથા પોલીસ જવાન મહેશકુમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



સૂરજ કહારને ખાનગી વાહનમાં વડોદરા લાવવામાં આવ્યો 

 વડોદરા,વડોદરા કોર્ટમાં તા.૨૮મી એ માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહારને  હાજર કરવા માટે પોલીસ જાપ્તા હેઠળ લાવવામાં આવ્યો હતો. નિયમ અનુસાર કેદીને એસ.ટી.બસ, ટ્રેન કે પછી પોલીસ વાહનમાં લાવવવાનો હોય છે. પરંતુ, સૂરજ ઉર્ફે ચૂઇ કહારને ખાનગી વાહનમાં લાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આ વાહન કોની માલિકીનું હતું ? તે  દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ જેલમાંથી છૂટયા પછી સૂરજ કહારે કારમાં રેલી કાઢતા વિવાદ સર્જાયો હતો. સૂરજે દારૃ ક્યાં  પીધો ? તે અંગે હજી મોંઢુ ખોલતો નથી.


Google NewsGoogle News