Get The App

સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ! શક્રેશ્વર મહાદેવના 600 વર્ષ પૌરાણિક મંદિરની નર્મદામાં જળસમાધિ

ઝઘડિયા તાલુકામાં વઢવાણા ગામમાં આવેલું શક્રેશ્વર મહાદેવ મંદિર જોખમમાં હોવાની જાણ હોવા છતાં સ્થાનિક નેતાઓએ કશું ના કર્યું

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ! શક્રેશ્વર મહાદેવના 600 વર્ષ પૌરાણિક મંદિરની નર્મદામાં જળસમાધિ 1 - image
જ્યાં ગાબડુ દેખાય છે તે સ્થાને મંદિર હતુ

ઝઘડિયા : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. જે પૈકી વઢવાણા ગામે આવેલા 600 વર્ષ જૂના પૌરાણિક શક્રેશ્વર મહાદેવનું મંદિર ગત રાત્રે નર્મદા નદીમાં ધસી પડ્યું હતું. સ્થાનિક નેતાગીરી અને સરકારની ભયંકર બેદરકારીના કારણે લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ પ્રાચીન મંદીરનું અસ્તિત્વ જ ખતમ થઈ જતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીના કાંઠે આવેલું છે. દર વર્ષે વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટાપાયે ધોવાણ થતું આવ્યું છે જેના કારણે મંદિર પરિસરની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. મંદિરના મહંત સિયાશરણદાસજીએ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દહેશત વ્યક્ત કરી હતી કે જો તુરંત પગલા નહીં લેવાય અને સંરક્ષણ દીવાલ બનાવવામાં નહીં આવે તો મંદિરનું અસ્તિત્વ જોખમમાં છે. ગંભીર બાબત તો એ હતી કે ગર્ભગૃહ સ્થિત શિવલિંગ પણ એક ઇંચ નીચે જતું રહ્યું હતું. આ વખતે પણ ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું હતુ. દરમિયાન ગત રાત્રે ભેખડનું ધોવાણ થતાં શક્રેશ્વર મહાદેવ મંદિર આખું નર્મદા કિનારા પરથી નદીમાં ધસી પડ્યું હતું.

સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ! શક્રેશ્વર મહાદેવના 600 વર્ષ પૌરાણિક મંદિરની નર્મદામાં જળસમાધિ 2 - image
જળ સમાધી પહેલાની મંદિરની તસવીર

આ દુર્ઘટનાના પગલે દોડધામ મચી ગઈ  હતી અને મહંત સિયાશરણદાસજી તથા વઢવાણાના ગ્રામજનોએ જીવના જોખમે શિવલિંગ, શિવ પરિવારની પ્રતિમાઓ ઉપરાંત પવિત્ર સામગ્રીઓ બચાવી લીધી હતી. મહંત અને ગ્રામજનો આ ઘટનાથી ભારે નારાજ થયા છે. તેઓનું કહેવું છે કે મંદિરને બચાવવા માટે ઝઘડિયાના ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવાને, ભાજપના સાંસદ મનસુખ વસાવાને, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને અવારનવાર ટેલીફોનિક અને લેખિતમાં જાણ કરી પ્રોટેક્શન વોલ બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ વહીવટી તંત્ર તથા નેતાઓ વાયદાઓ જ કરતાં રહ્યા અને મંદિરની જળસમાધિ થઈ ગઈ. આ પૌરાણિક મંદિરમાં નર્મદા નદીની પરિક્રમા કરતાં પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવતું હતું.


Google NewsGoogle News