Get The App

સરકારે રેશનકાર્ડ લાભાર્થીઓ માટે ખાંડનો જથ્થો ૫૦ ટકા ઓછો ફાળવ્યો

તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિના બાદ કરી અને તે પણ અડધી ઃ રેશનિંગ કાર્ડધારકો હેરાન થશે

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
સરકારે રેશનકાર્ડ લાભાર્થીઓ માટે ખાંડનો જથ્થો ૫૦ ટકા ઓછો ફાળવ્યો 1 - image

વડોદરા, તા.13 રાજ્ય સરકાર દ્વારા દર મહિને રેશનકાર્ડ ધારકો માટે રેશનિંગ દુકાનોને ફાળવવામાં આવતી ખાંડ ૫૦ ટકા જ અપાતા દુકાનો પર લાભાર્થીઓ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ થવાના સંજોગો ઊભા થયા છે. સરકારે તુવેરદાળની ફાળવણી પણ ત્રણ મહિને કરતા લાખો લાભાર્થીઓ તુવેરદાળ મેળવી શક્યા ન  હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ સરકાર માન્ય વ્યાજબીભાવની દુકાનો પર સરકાર દ્વારા ખાંડ ૫૦ ટકા ઓછી ફાળવવામાં આવી હોવાથી ચાલુ માસે એનએફએસએ કાર્ડધારકો પૈકી ખાંડ મેળવનારા કાર્ડધારકોને પણ હવે દર માસે મળવાપાત્ર થતી ખાંડમાં ચાલુ માસે ૫૦ ટકા ઓછી ખાંડ મળશે. હાલ એનએફએસએ યોજનામાં બીપીએલ કેટેગરીના એક  રેશનકાર્ડધારકને ૩૫૦ ગ્રામ મુજબ જથ્થો મળવાપાત્ર છે.

પરંતુ આ મહિનામાં સરકારે અડધો જથ્થો ફાળવતા હવે રેશનકાર્ડ ધારકોને ૩૫૦ ગ્રામના બદલે માત્ર ૧૭૫ ગ્રામ જ ખાંડનો જથ્થો ફાળવવામાં આવશે. સરકારે ઓછો જથ્થો આપતા હવે દુકાનદારો પણ ઓછો જથ્થો આપશે તો લાભાર્થીઓ સાથે ઘર્ષણ થાય તેવા સંજોગો સર્જાયા છે. છેલ્લા ૧૫ કે તેથી વધુ વર્ષમાં પ્રથમ વખત ખાંડના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાંડનો પુરવઠો ઓછો આપવા માટેનું કોઇ કારણ પણ દુકાન સંચાલકોને જણાવવામાં આવ્યું નથી.

બીજી બાજુ રેશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થામાં પણ ઘટાડો ના કર્યો હોય દુકાન સંચાલકો અને કાર્ડધારકો વચ્ચે ઘર્ષણ થવાની પૂરી શક્યતા છે. દુકાન સંચાલકોએ વહેલા તે પહેલાના ધોરણે જથ્થો આપવો પડે અથવા ૫૦ ટકા ઘટાડો કરીને આપવો પડે તેવી બંને સ્થિતિમાં મરો દુકાન સંચાલકોનો થવાનો છે.

બીજી તરફ સરકાર દ્વારા ત્રણ મહિને રેશનકાર્ડધારકોને તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે. આ પુરવઠો પણ અડધો એટલે કે ૫૦ ટકા જ ફાળવવામાં આવ્યો છે. ત્રણ-ત્રણ માસથી તુવેરદાળ રેશનિંગ દુકાનોમાંથી નહી મેળવતા લાભાર્થીઓ અને દુકાનદારો વચ્ચે રોજેરોજ ઝઘડા થતા હતા અને હવે અડધો પુરવઠો અપાશે તો વધુ કકળાટ થવાની શક્યતા છે.




Google NewsGoogle News