ભાયલી ગેંગ રેપના આરોપી પાસેથી યુવતીના મોબાઇલ ફોનના પાર્ટ્સ મળ્યા
સીમ કાર્ડ શોધવા માટે પોલીસે આરોપીને સાથે રાખી છાણી જકાત નાકા વિસ્તારમાં સર્ચ કરી
વડોદરા, ભાયલી ગેંગરેપ કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના એક આરોપી પાસેથી પોલીસને મોબાઇલ ફોનની સ્ક્રીન મળી આવી છે. જે ભોગ બનનાર યુવતીના મોબાઇલ ફોનની હોવાની શક્યતા છે. જે અંગે પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લીધી છે. આજે પોલીસની ટીમ આરોપીને લઇને છાણી વિસ્તારમાં ફેંકી દેવાયેલા સીમકાર્ડને શોધવા માટે ગઇ હતી. પરંતુ, સીમકાર્ડ મળ્યું નથી.
ભાયલી ગેંગરેપના પાંચ આરોપીઓને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજૂ કરીને તપાસ અધિકારીએ વધુ રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ગુનાને લગતા વધુ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આરોપીઓ મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા, શાહરૃખ કિસ્મત બંજારા, સૈફઅલી મહેંદી હસન બંજારા અને અજમલ સતાર બંજારા હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મોબાઇલ ફોન તોડીને વડસર નજીક વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો છે. તેમજ સીમકાર્ડ છાણી જકાતનાકા વિસ્તારમાં રામા કાકાની ડેરી પાસે ફેંકી દીધું છે. જેથી, પોલીસની ટીમ આજે આરોપી શાહરૃખને લઇને છાણી જકાત નાકા વિસ્તારમાં તપાસ માટે ગઇ હતી. પોલીસે અંદાજે એક કલાક સુધી તપાસ કરી હતી.પરંતુ, સીમ કાર્ડ મળી આવ્યું નથી. યુવતીનો મોબાઇલ ફોન પણ હજી મળ્યો નથી.મોબાઇલ ફોન કોની પાસે છે તેની વિગતો આરોપીઓ એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. દરમિયાન આજે આરોપી મુન્ના પાસેથી મોબાઇલ ફોનના કેટલાક પાર્ટ્સ ( મોબાઇલ ફોનની સ્ક્રીન) મળી આવ્યા છે. જે પાર્ટ્સ યુવતીના મોબાઇલ ફોનના હોવાની શક્યતા સેવાઇ રહી છે. તે કન્ફર્મ કરવા માટે પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન પણ કબજે લઇ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.
ભાયલી ગેંગ રેપ કેસમાં બે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક
સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને વડોદરાના સિનિયર એડવોકેટ
વડોદરા,ભાયલી ગેંગરેપ કેસની ટ્રાયલ ઝડપી ચાલે અને આરોપીઓને કાયદામાં નિર્દિષ્ટ મહત્તમ સજા થાય તે માટે પોલીસ મજબૂત પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આ કેસ માટે સરકાર દ્વારા વડોદરાના સિનિયર એડવોકેટ શૈલેષ એચ.પટેલ તેમજ સુરત જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયન એલ.સુખડવાલાની સ્પેશિયલ નિમણૂંક કરવામાં આવી છે.
ઘટના સ્થળેથી મળેલા ગોગલ્સ આરોપી મુન્નાના હતા
સિટ દ્વારા વધુ પુરાવાઓ એકત્રિત કરવાની દોડધામ
વડોદરા,ગેંગરેપના ઘટના સ્થળે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન એક ગોગલ્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ ગોગલ્સ મુન્નાના હોવાનું જાણવા મળ્યું છે. ગુના સમયે ગોગલ્સ ત્યાં પડી ગયા હતા. જે પોલીસે કબજે લીધા હતા. આ ગેંગરેપ કેસમાં પકડાયેલા આરોપીઓને દાખલો બેસે તેવી સજા થાય તે માટે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ડીએસપીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી સિટ દ્વારા ઝીણટભરી તપાસ કરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જ્યારે આરોપીઓેને કોઇ નશો કરવાની આદત છે કે કેમ ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.