કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીએ શી ટીમ અને પોલીસ ભવન પાંચ કલાક સુધી માથે લીધું
પોલીસે સોશિયલ મીડિયા પર યુવતીના ફોટા શેર કરતા સાંજે માતાને મેસેજ મળ્યો અને પોલીસ ભવન દોડી ગઇ
વડોદરા,ડિપ્રેશનમાં રહેતી યુવતી આજે ઘરેથી નીકળી ગયા પછી સરનામુ ભૂલી ગઇ હતી. એક નાગરિક તેને પોલીસ ભવન શી ટીમની ઓફિસે લઇ ગયો હતો. જ્યાં માનસિક બીમારીના કારણે તેણે શી ટીમની ઓફિસ અને પોલીસ ભવનને પાંચ કલાક સુધી માથે લીધું હતું. તેની માનસિક હાલત જોતા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. દરમિયાન પોલીસે સોશિયલ મીડિયામાં યુવતીના ફોટા શેર કરતા તેના પરિવારજનો સુધી મેસેજ પહોંચતા યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે સવારે એક યુવતી રસ્તા પર ઉભી રહીને લિફ્ટ માંગતી હોવાથી એક બાઇક સવાર તેને મદદ કરવા માટે ઉભો રહ્યો હતો. સારા પહેરવેશમાં અને કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીએ આ યુવકને પોતાના ઘરે છોડી જવા કહ્યું હતું. યુવકે તે યુવતીને ઘરનું સરનામુ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે મારો વિષય નથી. મને સરનામુ યાદ નથી. તમે મને ઘરે છોડી જાવ. યુવકને યુવતીની માનસિક હાલતની જાણ થતા જ તે નજીકમાં આવેલા પોલીસ ભવન સ્થિત શી ટીમની ઓફિસે તેને લઇ ગયો હતો. શી ટીમના સ્ટાફે યુવતીનું કાઉન્સેલિંગ શરૃ કર્યુ હતું. યુવતીને તેનું સરનામુ પૂછતા યુવતીએ શી ટીમના સ્ટાફને પણ એ જ વાત કહી કે, તે મારો વિષય નથી. તમે મને મારા ઘરે છોડી જાવ. કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીના કારણે શી ટીમનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મૂકાયો હતો.
યુવતીએ શી ટીમની ઓફિસ અને પોલીસ ભવન માથે લીધું હતું. પોલીસ ભવનમાં હાજર અન્ય પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે સોશિયલ મીડિયાના ગૃપમાં યુવતીના ફોટા શેર કરી તેના પરિવારજનોને શોધવાની કવાયત હાથ ધરી હતી. સાંજે છ વાગ્યે યુવતીની માતાએ ફોટો જોતા પોતાની દીકરીને ઓળખી લીધી હતી. માતા અન્ય પરિવારજનો સાથે પોલીસ ભવન દોડી આવી હતી. છેવટે સાત કલાકના હાઇ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.
ડિપ્રેશનની દવાનો એકાદ ડોઝ મિસ થઇ જતા આવું વર્તન કરે
વડોદરા,યુવતીની માનસિક હાલત સારી નહીં હોવાથી પોલીસનો સ્ટાફ તેને સયાજી હોસ્પિટલમાં સાઇક્યાટ્રિક વિભાગમાં લઇ ગયો હતો . કારણકે યુવતીનું વર્તન જોઇને તે માનસિક બીમાર હોવાનું જણાઇ આવતુું હતું. યુવતીએ સયાજી હોસ્પિટલને પણ માથે લીધી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર, યુવતી ડિપ્રેશનનો ભોગ બની હતી. તેની દવા રેગ્યુલર ચાલતી હતી. પરંતુ, એકાદ ડોઝ મિસ થઇ જવાના કારણે તે આ રીતે વર્તન કરતી હોવાની શક્યતા છે. જોકે, તેના પરિવારજનો આવી ગયા પછી મામલો શાંત પડયો હતો.
યુવતી કાગળ પર બધું જ લખે,પણ સરનામુ લખવાનું આવે ત્યારે હાથ અટકી જાય
વડોદરા,યુવતીનું સરનામુ જાણવા પોલીસે અવનવી તરકીબો અજમાવી હતી. પોલીસ તેને વાતોમાં પરોવી જ્યારે સરનામુ પૂછે ત્યારે તે અટકી જતી હતી. પોલીસે તેને કાગળ આપી ઇંગ્લિશમાં લખવાનું જણાવતા તેણે લખવાનું શરૃ કર્યુ હતું. પરંતુ, માનસિક હતાશાના કારણે તે બધું જ સારી રીતે લખતી હતી. પરંતુ, માનસિક હતાશાના કારણે સરનામુ લખવાનું આવે ત્યારે તેની પેન અટકી જતી હતી.