વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલી યુવતી નવ દિવસ બાદ ઉત્તરસંડાથી મળી
વડોદરા,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર
વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયેલી યુવતીને આખરે નવ દિવસ બાદ સુરક્ષિત રીતે મળી આવી છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં વર્ષ 2011માં આણંદની ગીતા નામની યુવતી માનસિક સારવાર માટે આવ્યા બાદ તેને દાખલ કરવામાં આવી હતી.
ગઈ તા 9મી એ સવારે ગીતા કર્મચારીઓની અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી. જેથી તેને શોધવા માટે હોસ્પિટલના સ્ટાફે દોડધામ કરી મૂકી હતી અને આખરે કારેલીબાગ પોલીસમાં ફરિયાદ કરી હતી.
કારેલીબાગ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ અન્ય પોલીસ સ્ટેશનમાં યુવતીના ફોટા તેમજ વર્ણન અંગેની જાણ કરી શોધખોળ કરી હતી. જે દરમિયાન ઉત્તરસંડા ખાતે એક યુવતી રઝળતી હાલતમાં જોવા મળી હોવાની વિગતો પોલીસને મળતા પોલીસની ટીમે ઉત્તરસંડા અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી યુવતીને શોધી કાઢી હતી.