ફેસબુકની મિત્રતા વોટ્સએપ નંબરથી ન્યૂડકોલ પર પહોંચી વીડિયોકોલ રિસીવ કરતાં જ યુવતી નગ્ન હતી
અદિતી અગ્રવાલ નામ ધારણ કરનારી યુવતીએ વેપારીને બ્લેકમેલ કરી રકમ પડાવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ
વડોદરા, તા.3 ફેસબુક પર આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ શહેરના હરણીરોડ વિસ્તારના વેપારીએ કુલ રૃા.૩.૩૩ લાખ ગુમાવ્યા હતાં. ફેસબુકથી મેળવેલા વોટ્સએપ નંબર પર વાત કરી વીડિયોકોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કરી સાયબર માફિયાઓએ બ્લેકમેલ કરી વેપારી પાસેથી તબક્કાવાર પૈસા પડાવી સીબીઆઇમાંથી બોલું છું તેમ કહી વધારે પૈસા પડાવવાનો પણ કારસો ઘડયો હતો.
હરણીરોડ વિસ્તારની સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કેમિકલ પ્રોસેસિંગના ધંધા સાથે સંકળાયેલો છું તા.૨૮ની રાત્રે મારા ફેસબુક એકાઉન્ટમાં અદિતી અગ્રવાલની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતાં મેં તેને સ્વીકારી હતી. બાદમાં ફેસબુક મેસેન્જર દ્વારા તેની સાથે સામાન્ય વાતચીત થતી હતી. મેસેન્જર પર તેણે મારો મોબાઇલ નંબર માંગતા મેં આપ્યો હતો.
થોડા સમય બાદ એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો જેમાં મેસેજ કરનારે પોતાનું નામ અદિતી અગ્રવાલ જણાવ્યું હતું. આ વોટ્સએપ નંબર પર મારી મેસેજથી વાત થતી હતી. તેણે મને વીડિયોકોલ દ્વારા વાતચીત કરશે તેમ જણાવ્યું હતું અને બાદમાં તેનો વીડિયોકોલ આવતાં મેં ઉપાડતાં જ સામે એક યુવતી નગ્ન હતી અને મારી જાણ બહાર આ અંગત વીડિયોકોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કરી લીધું હતું. આ રેકોર્ડિંગનો વીડિયો બનાવી બાદમાં મને વોટ્સએપ પર મોકલ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.
યુવતીએ મને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યુ હતું અને વીડિયો ડીલીટ કરવાના બહાને મારી પાસેથી ટુકડે ટુકડે કુલ રૃા.૩.૩૩ લાખ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી પડાવ્યા હતાં. તા.૧ ડિસેમ્બરના રોજ બપોરે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને સીબીઆઇ ઓફિસરના નામે પણ વધુ પૈસાની માંગણી કરી હતી. ઉપરોક્ત ફરિયાદના પગલે સાયબર ક્રાઇમ દ્વારા ગુગલ પે, એચડીએફસી, જીઓ પેમેન્ટ બેંક સહિત કુલ ૮ વિવિધ નંબરો ધરાવતા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.