હરણી બોટકાંડ ઇફેક્ટઃઉત્તરવાહીની નર્મદામાં માછીમારી માટેના હોડકાંમાં સાધુને જળસમાધિની જોખમી વિધિ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
હરણી બોટકાંડ ઇફેક્ટઃઉત્તરવાહીની નર્મદામાં માછીમારી માટેના હોડકાંમાં સાધુને જળસમાધિની જોખમી વિધિ 1 - image

વડોદરાઃ હરણીના બોટકાંડ બાદ અનેક સ્થળોએ બોટ બંધ કરાવી દેતાં લોકોની મુશ્કેલી વધી ગઇ છે.રાજપીપળા ખાતે ઉત્તરવાહિની નર્મદા નદીમાં બોટ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડયા બાદ એક સાધુની જળસમાધિ માટે કોઇ નાવડીવાળા નહિં મળતાં નાનકડા હોડકાંમાં જળસમાધિની જોખમી વિધિ કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

હરણીના બોટકાંડ બાદ અનેક સ્થળે સાવચેતીના પગલાંરૃપે બોટ બંધ કરાવી દેવામાં આવી હતી.નર્મદા નદીમાં પણ આવી જ રીતે બોટો બંધ કરાવી છે.અને લાઇફ સેવિંગ જેકેટ ફરજિયાત બનાવી કેટલીક બોટ ને મંજૂરી આપવામાં આવી હતી.અનેક બોટ ધારકો લાયસન્સ માટે વલખાં મારી રહ્યા છે પરંતુ લાયસન્સની વિધિ જટિલ હોવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી.

તાજેતરમાં ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન વહીવટીતંત્રએ સુંદર વ્યવસ્થા કરી હતી અને તેને કારણે હજારો ભક્તો પરિક્રમા કરી શક્યા હતા.પરંતુ ત્યારબાદ પરિક્રમાના છેલ્લા તબક્કામાં પાણી છોડાતાં બોટ બંધ કરાવી દેતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.જેને કારણે કેટલાક ખાસ કિસ્સાઓમાં પણ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

ઉત્તરવાહિની પરિક્રમા ચાલુ થાય છે તે રામપુરા અને સામે કાંઠે રેંગણ ખાતેનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં એક સાધુના મૃતદેહને નાના હોડકાંમાં નદીના વહેણ વચ્ચે લઇ જવામાં આવતો દેખાય છે.આ સ્થળે નદી ખૂબ ઊંડી છે અને હોડકું હાલકડોલક થાય છે.અધવચ્ચે હોડકું લઇ જઇને મૃતદેહ નદીમાં પધરાવામાં આવેછે.આમ,મોટી  હોડી કેમ ના મળી કે પછી તેની પરવાનગીની વિધિમાં કોઇ પડવા માંગતું નથી તે મુદ્દા તપાસનો વિષય  બન્યા છે અને આ પ્રકારના બનાવોમાં જેકેટ સાથે મોટી હોડીની સુવિધા મળવી જોઇએ તેવી લાગણી વ્યક્ત થઇ રહી છે.

સ્થાનિક આશ્રમના વહીવટકર્તા કહે છે અમને ક્યારેય આવી તકલીફ પડી નથી

રામપુરા ખાતેના વાયરલ વીડિયો અંગે ઉત્તરવાહિની નર્મદાના કિનારે આવેલા એક આશ્રમના વહીવટકર્તાને બ્રહ્મલીન સાધુ કોણ છે અને કેમ નાના હોડકાંમાં આવી રીતે વિધિ કરવી પડી,મંજૂરીમાં કોઇ અડચણ પડે છે કે કેમ..તે મુદ્દે પૂછતાં તેમણે કહ્યું હતું કે,અમને આવી ક્યારેય તકલીફ પડી નથી.વહીવટીતંત્ર હંમેશા સહકાર આપતું રહ્યું છે.આ વીડિયો ક્યારનો છે તેની જાણ નથી.કદાચ બહારના સાધુ હોઇ શકે અને તેમને સ્થાનિક કક્ષાના સંપર્ક નહિં હોવાથી આમ કરવું પડયું હોઇ શકે.


Google NewsGoogle News