વડોદરાના સયાજી બાગમાં ફલાવર કલોક સોલર સિસ્ટમથી ચાલુ કરાશે
- વર્ષો જૂની મશીનરી રીપેર થઈ શકે તેમ ન હોવાથી સોલર સિસ્ટમ થી ઘડિયાળ ચલાવશે
- હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી
- કલોકના આંકડા પણ નવા મૂકવામાં આવશે
વડોદરા,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સયાજી બાગને વિકસિત કરવાનું કામ કોર્પોરેશન દ્વારા હાથ પર લેવાયું છે. હાલ કોર્પોરેશન દ્વારા 1.80 કરોડના ખર્ચે જુદા જુદા કામો હાથ પર લેવામાં આવ્યા છે. જેમાંનું એક કામ ફલાવર ક્લોક વિથ સોલર સિસ્ટમ સાથેનું છે. સયાજી બાગ ખાતે ફ્લાવર ક્લોક પ્રવાસીઓમાં વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગુજરાતમાં જાહેરબાગમાં મૂકવામાં આવી હોય તેવી આ પ્રકારની પ્રથમ ફ્લાવર ક્લોક છે. વર્ષો જૂની આ ફ્લાવર કલોકની મશીનરી હવે રીપેર કરવી અઘરી છે, કેમકે તેની મશીનરી પણ બહુ જૂની થઈ ગઈ છે. જેથી હવે આ ફ્લાવર ક્લોકની મશીનરી સોલર આધારિત ફીટ કરવામાં આવશે અને ક્લોકને નવેસરથી ચાલુ કરવામાં આવનાર છે. હાલમાં તેના કાંટા કાઢી લેવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ઘડિયાળ ચાલુ થઈ જશે. ઘડિયાળના આંકડા નવેસરથી મૂકવામાં આવશે. જો કે તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં થાય. માત્ર સોલર આધારિત મશીનરી સાથે આંકડા પણ નવા મૂકી નવું કલેવર આપવામાં આવશે. સોલર આધારિત ઘડિયાળ ચાલતી કરવામાં આવનાર હોવાથી તે રીયલ ટાઈમ બતાવશે અને કાંટા પણ સેટ કરવા નહીં પડે.
અગાઉ આ ઘડિયાળ ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ મશીનરી જૂની થઈ ગઈ હોવાથી ચાલુ કરવા છતાં ટાઈમમાં પાછળ રહી જતી હતી અને યોગ્ય સમય બતાવતી ન હતી. ફલાવર ક્લોક ગાર્ડનમાં જમીન પર જ આ બનાવવામાં આવી છે. જેનો 20 ફૂટનો ડાયામીટર છે. ક્લોક જ્યારે બનાવી ત્યારે તેની મશીનરી અંડરગ્રાઉન્ડ ફીટ કરવામાં આવી હતી. ફલાવર ક્લોકને નવેસરથી સજાવ્યા બાદ રાત્રે પણ ઘડિયાળ ઈલ્યુમિનેટ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.