વડોદરામાં સર્વપ્રથમ ગણેશોત્સવનું આયોજન જુમ્માદાદા વ્યાયામ શાળામાં થયુ હતું
ગણેશોત્સવ દરમિયાન ગણેપતિ અથર્વશીર્ષ અને ગણેશ સ્તોત્ર પઠન સ્પર્ધા, ચાર ભાષામાં વક્તૃત્વ સ્પર્ધા અને મલખંમ્ભ પ્રદર્શનનું આયોજન
વડોદરા :દાંડિયા બજાર સ્થિત પ્રો. માણિકરાવનો અખાડો તરીકે ઓળખાતા જુમ્મદાદા વ્યાયામ મંદિર વડોદરાની ઐતિહાસિક ધરોહર છે, ૧૮૮૦થી કાર્યરત માણેકરાવના અખાડાએ રમતગમત, વ્યાયામ અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે.શનિવારથી વડોદરામાં ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માણિકરાવનો અખાડો એટલા માટે મહત્વનો બની જાય છે કે અહીથી જ ૧૨૪ વર્ષ પહેલા વડોદરામાં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો.
મુસ્લિમ વ્યાયામગુરુ જુમ્માદાદા, મહારાજા સયાજીરાવ અને લોકમાન્ય તિલકના સૌજન્યથી વડોદરામાં સૌપ્રથમ સાર્વજનિક ગણેશોત્સવની શરૃઆત જુમ્માદાદા વ્યાયામ મંદિર દ્વારા ૧૯૦૧માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ૧૨૪ વર્ષથી સતત ચાલી રહી છે. આ ઉત્સવમાં માં દેશ-વિદેશના જાણીતા વક્તાઓ પધારી ચૂક્યાં છે. બૌદ્ધિક જનતાને વ્યાયામ સાથે જોડવાના હેતુથી વ્યાયામશાળામાં ગણેશોત્સવની શરૃઆત કરવામાં આવી હતી.
આ વખતે માણિકરાવ અખાડા દ્વારા ગણેશોત્સવ દરમિયાન વિસરાતા જતાં વારસાને વર્તમાન પેઢી સાથે જોડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ઓલિમ્પિકમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સદસ્ય લક્ષ્મણ કરંજગાવકરના હસ્તે શ્રીજીની માટીની મૂત સ્થાપિત થશે. રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવશે. તેમજ શ્રીરામ ભજન મંડળ દ્વારા ભજન નો કાર્યક્રમ પ્રસ્તુત થશે. ૮ સપ્ટેમ્બરે ચૈતન્ય મરાઠી ભાષિક મંડળના સહયોગથી બાળકો અને કિશોરો માટે ગણપતિ અથર્વશીર્ષ અને ગણેશ સ્તોત્ર પઠન સ્પર્ધા યોજાશે. ૧૪ મી સપ્ટેમ્બરે વ્યાયામ મંદિરના બાળકો દ્વારા મલખંમ્બ સહિતના ભારતીય વ્યાયામ નું પ્રદર્શન કરાશે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 'ભારતીય ઉત્સવો' વિષય પર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.