ગીચ બજારોમાં દબાણો આફત લાવશેઃ મંગળબજારની દુકાનમાં આગ લાગતાં ફાયર એન્જિન જઇ ન શક્યું
વડોદરાઃ શહેરના ગીચ બજારોમાં આગ લાગવાના બનાવોમાં ફાયર બ્રિગેડને નાકે દમ આવી જતો હોવા છતાં નડતરરૃપ દબાણોનો કાયમી ધોરણે ઉકેલ આવતો નથી.પરિણામે આજે મંગળબજારમાં આગ બૂઝાવવા ગયેલું ફાયર એન્જિન સ્થળ સુધી પહોંચી શક્યું નહતું.
શહેરના ગીચ બજારોમાં લારી-ગલ્લા, પથારાવાળા અને દુકાનોના લટકણિયાને લીધે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે.મંગળબજાર અને પદમાવતી શોપિંગ સેન્ટરની પાછળના વિસ્તારમાં વારંવાર દબોણો દૂર કરવાની કામિગીરી કરી બસો અને વાહનવ્યવહાર પણ શરૃ કરવામાં આવ્યો હતો.પરંતુ હજી પણ પહેલાં જેવી જ સ્થિતિ છે.
આવા બજારોમાં જ્યારે આગ લાગવાનો બનાવ કે ઇમરજન્સી સેવાની જરૃરનો બનાવ બને ત્યારે ભારે મુશ્કેલી પડતી હોય છે.ભૂતકાળમાં ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચતા ખૂબ વિલંબ થયો હોવાના અને તેને કારણે નુકસાન વધારે થયું હોવાના બનાવ બન્યા હતા.
આજે બપોરે મંગળબજારના મુન્શી ખાંચામાં જલારામ ચેમ્બર ખાતે આવેલી એક દુકાનમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી.સાથે જ બીજી દુકાનો હોવાથી આગ વધુ ફેલાય તો મોટી હોનારત થાય તેવી સ્થિતિ હતી.જેથી કેટલાક વેપારીઓએ તેમના ખાનગી સાધનો વડે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.ફાયર બ્રિગેડ પણ આવી ગઇ હતી.પરંતુ દબાણોને કારણે ફાયર એન્જિન અટવાયું હતું.આખરે,જવાનો ૧૫૦ થી ૨૦૦ મીટર સુધી પાઇપ અંદર ખેંચી ગયા હતા અને બીજા સાધનો વડે આગ કાબૂમાં લીધી હતી.