સ્વજનની ઓળખ કરવા એક પછી એક મૃતદેહ કઠણ કાળજે પરિવારે જોયા
વ્હાલસોયી દીકરીનો મૃતદેહ જોઇને મોટેથી ચીસ પાડીને માતા જમીન પર ફસડાઇ પડી
વડોદરા,બોટ દુર્ઘટનાની જાણ થતા વાલીઓ સ્થળ પર અને સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. કેટલાક વાલીઓને તો સોશિયલ મીડિયા મારફતે બનાવની જાણ થઇ હતી. એક વાલીએ તો એવું કહ્યું હતું કે, સાંજે પાંચ વાગ્યે અમને સ્કૂલના મેડમનો કોલ આવ્યો હતો કે, દુર્ઘટના થઇ છે. બાળકોને સામાન્ય ઇજા થઇ છે.તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી, અને હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. સૌ પ્રથમ રૃત્વી શાહના પરિવારજનો સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. તાત્કાલિક વિભાગમાં પોતાની દીકરીને શોધતી માતા ખૂબ જ ગભરાઇ ગઇ હતી. તેઓ એક જ વાત કરતા હતા કે, મારી દીકરી મને બતાવો. ત્યારબાદ એક સામાજિક કાર્યકર તેઓને કોલ્ડ રૃમ સુધી લઇ ગયા હતા. જ્યાં વારાફરતી તેઓને ડેડબોડી બતાવવામાં આવી હતી. બીજો મૃતદેહ જોઇને તેઓ મોટેથી ચીસ પાડીને જમીન પર ફસડાઇ પડયા હતા. ત્યાં હાજર મહિલા પોલીસ કર્મીઓએ તેઓને સાંત્વના આપી બહાર લઇ ગયા હતા. ત્યારબાદ તેમના અન્ય પરિવારજનો આવ્યા હતા. પી.એમ. રૃમ પર બીજો પરિવાર સ્કૂલના શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો આવ્યો હતો. તેમની દીકરી અને પતિએ કપડા પરથી જ તેઓને ઓળખી કાઢ્યા હતા. દીકરી એટલા આઘાતમાં હતી કે, તેઓને ફરીથી મૃતદેહ બતાવવામાં આવ્યો ત્યારે તેઓને વિશ્વાસ આવ્યો હતો કે, તેમની માતા હવે આ દુનિયામાં રહી નથી.