વરસાદી પાણીના કારણે પરિવારે સોનાના દાગીના ગુમાવ્યા
ચોર ટોળકી ૧૦ તોલાના દાગીના અને રોકડા ૬૦ હજાર લઇ ગઇ
વડોદરા,ગ્રાઉન્ડ ફ્લોર પર વરસાદી પાણી ભરાઇ જતા પ્રથમ માળે સૂવા ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળી ૧.૯૪ લાખની મતા ચોરી ગઇ હતી.
વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા પાસે સમર્પણ સોસાયટીમાં રહેતા મનોજભાઇ ભીખાભાઇ શાહ એલ.આઇ.સી. એજન્ટ છે. ગત તા. ૩૦ મી એ વરસાદી પાણી ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાઇ ગયું હોવાથી તેમના પિતા ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાને તાળું મારીને પ્રથમ માળે આવી ગયા હતા. રાતે તેઓ પરિવાર સાથે સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે ૮ વાગ્યે મનોજભાઇ દૂધ લેવા માટે નીચે ઉતર્યા હતા. તે દરમિયાન જાળીને મારેલું લોક નકૂચા સાથે તૂટેલું હતું. તેમણે બૂમાબૂમ કરતા તેમના પિતા તથા પત્ની નીચે દોડી આવ્યા હતા. ઘરમાં જઇને તપાસ કરી તો ચોર ટોળકી ૧૦ તોલા વજનના સોનાના દાગીના તેમજ રોકડા ૬૦ હજાર ચોરી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જે અંગે તેમણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પિતાએ સોનાના દાગીનાનો એક લાખનો વીમો ઉતાર્યો હતો.