પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જન્મેલા બાળકનું નામ રામ રાખવા પરિવારનો નિર્ધાર
શુભ દિવસે સયાજી હોસ્પિટલમાં પાંચ બાળકો અને બે બાળકીના જન્મ થયા
વડોદરા,અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સયાજી હોસ્પિટલમાં પાંચ બાળકો અને બે બાળકીના જન્મ થતા પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારે પુત્રના નામ રામ, રાઘવ, રામ લલ્લા રાખવાનો નિર્ધાર કર્યો છે.
શહેરના રાવપુરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે પિન્કીબેન અઠવાણી નામની મહિલા રાતે ડિલીવરી માટે દાખલ થઇ હતી. આજે બપોરે મહિલાએ પુત્રને જન્મ આપતા પરિવારમાં ખુશીની લહેર હતી. પિન્કીબેનના પતિએ જણાવ્યું હતું કે, અમે અગાઉથી જ નક્કી કર્યુ હતું કે, જો પુત્રનો જન્મ થશે તો તેનું નામ ભગવાન રામના નામથી રાખીશું અને જો પુત્રીનો જન્મ થશે તો તેનું નામ સિયા રાખીશું.
જ્યારે સયાજી હોસ્પિટલમાં આજે બપોર સુધી કુલ પાંચ બાળકોના જન્મ થયા છે. સલાટવાડા વિસ્તારમાં રહેતા નેહાબેન બારોટે પુત્રનું નામ રાઘવ રાખીશું તેવું જણાવ્યું છે. કોયલી ગામના ધર્મિષ્ઠાબેન પરમાર, દીવાળીપુરાના નિરાલીબેન માળી, મનિષાબેન રાઠોડ તથા લામડાપુરાના ધારાબેન પરમારને પુત્રનો જન્મ થયો હતો. ધારાબેને જણાવ્યું હતું કે, આજના શુભ દિવસે પુત્રનો જન્મ થયો જે અમારા પરિવાર માટે ઘણી ખુશીની બાબત છે.ધારાબેનના પરિવારે પુત્રનું નામ શ્રીરામ તથા રામ લલ્લા રાખીશું તેવું જણાવ્યું છે.