દેણા ગામના બાળક પર તાંત્રિક વિદ્યા કરતા મોત થયાનો પરિવારનો આક્ષેપ

પરિવારજનો તપાસની માંગણી સાથે બાળકના મૃતદેહને લઇને મંજુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
દેણા ગામના બાળક પર તાંત્રિક  વિદ્યા કરતા મોત થયાનો પરિવારનો આક્ષેપ 1 - image

વડોદરા,શહેર નજીકના દેણા ગામે ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા શ્રમજીવીના ૧૧ વર્ષના પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. બાળકના પિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, મારા દીકરા પર તાંત્રિક વિદ્યા કરીને દાણા ખવડાવી દેતા તેનું મોત નિપજ્યું છે. બનાવ અંગે મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

શહેર નજીકના દેણા ગામે ટેકરા ફળિયામાં રહેતા ૧૧ વર્ષના કલ્પેશ જશવંતભાઇ રાઠોડિયાને ગત તા. ૩૦ મી સપ્ટેમ્બરે રાતે સાડા દશ વાગ્યે અચાનક  ઉલટીઓ શરૃ થતા શહેરના ફતેપુરા વિસ્તારમાં એક દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. અને ત્યાંથી વધુ સારવાર માટે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ, તેની તબિયત વધુ બગડતા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ વ્યાપી ગયું હતું. ત્યારબાદ  પરિવારજનો મૃતદેહ લઈને કડક કાર્યવાહીની માંગણી સાથે મંજુસર પોલીસ મથકે પહોંચ્યા હતા. બાળક પર મેલી વિદ્યા કરીને કંઇક ખવડાવી દેતા તેનું મોત થયું છે. પોલીસે પરિવારજનોને યોગ્ય તપાસની ખાત્રી આપી બાળકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પી.એમ. માટે મોકલી આપ્યો હતો. 



એક મહિલાએ અમારા બાળકને ઘઉંના  દાણા ખવડાવી દીધા

ઘર  પાસે રમતો હતો ત્યારે ગેમ રમવાનું કહીને લઇ ગયા હતા

વડોદરા,બાળકના સગાએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમારો દીકરો ૨૯ મી તારીખે ઘર પાસે રમતો હતો. રાતે નવ વાગ્યે દીકરાને ગેમ રમવાના બહાને લઇ  ગયા હતા. અને ત્યારબાદ તેને પરત ઘરે મોકલી દીધો હતો. બીજે દિવસે રાતે તેને અચાનક ઉલટીઓ શરૃ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તે બેભાન થઇ ગયો હતો. તે ભાનમાં આવ્યો ત્યારે કહ્યું કે, એક મહિલાએ મને પટાવીને ઘઉંના દાણા ખવડાવી દીધા હતા.


વિશેરાના રિપોર્ટ પછી મોતનું સાચું કારણ જાણી શકાશે

વડોદરા,પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મરનાર બાળકના પરિવાર પણ તાંત્રિક વિદ્યા કરે છે. અને લોકો તેમની ત્યાં બતાવવા માટે આવતા હોય છે. હાલમાં બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પી.એમ. કરનાર ડોક્ટર દ્વારા વિશેરા એફ.એસ.એલ.તપાસ માટે લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી બાળકના મોતનું ચોક્કસ કારણ  જાણી શકાશે.



Google NewsGoogle News