હોસ્પિટલમાં ડોક્ટરની હાજરીમાં જ સગર્ભાનું મોત થતા નિષ્કાળજીનો પરિવારનો આક્ષેપ
મૃતદેહ પેનલ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલાયો : ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે
વડોદરા,સુભાનપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલા અને ગર્ભસ્થ શિશુના મોત થયા હતા. હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે બંનેના મોત થયા હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. ગોરવા પોલીસે સ્થળ પર પહોંચીને મામલો સંભાળી લીધો હતો અને મૃતદેહ પેનલ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
મળતી માહિતી મુજબ,ગોત્રી પ્રાસિત રેસિડેન્સીમાં રહેતા ૪૦ વર્ષના અંકિતાબેન મયૂરભાઈ ડીહીંગયાનું ચેકઅપ છેલ્લા નવ મહિનાથી સુભાનપુરાની બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ચાલતું હતું. રવિવારે તેઓની તબિયત નાદુરસ્ત લાગતા તેઓ સારવાર માટે બાલાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. અંકિતાની મિત્રે જણાવ્યું હતું કે, રવિવાર પછી અંકિતાનું રોજ ચેકઅપ થતું હતું. મેન ડોક્ટર પદ્માબેન બેંગલોર હોવાથી અન્ય ડોક્ટર્સ આવીને ચેકઅપ કરતા હતા. રવિવારે રાતે દોઢ વાગ્યે અંકિતાને અનઇઝીનેસ લાગતા ફરજ પરના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. સ્ટાફે ડોક્ટરને જાણ કરી હતી. પરંતુ, ડોક્ટર આવ્યા નહતા ફોન પર કહ્યા મુજબ સ્ટાફે અંકિતાબેનને દવા આપી હતી. ત્યારબાદ અંકિતાબેનની તબિયત સુધરી હતી. થોડા સમય પછી ફરીથી તબિયત બગડી હતી.ત્યારે પણ ડોક્ટરે રૃબરૃ આવવાનું ટાળી માત્ર ફોન પર જ સલાહ આપી હતી.
અંકિતાબેનના પરિવારજને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારે સિઝેરિયન કરવાનું હતું. પરંતુ, ડોક્ટર મોડા આવતા અંકિતાની અને ગર્ભસ્થ શિશુના મોત થયા હતા. અંકિતાને દવા આપ્યા પછી જ તેની તબિયત વધારે બગડી હતી. મોતના પગલે પરિવારે આક્ષેપ કરતા ગોરવા પોલીસ દોડી આવી હતી. ગોરવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહના વિશેરા લઇ એફ.એસ.એલ. માટે મોકલી આપવામાં આવ્યા છે. ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઓપરેશન થિયેટરની બહાર સગર્ભાનું હાર્ટ એકદમ બંધ થઇ ગયું ઃ ડોક્ટર
વડોદરા,હોસ્પિટલના ડોક્ટર આયંગરે જણાવ્યું હતું કે, પેશન્ટની પહેલી ડિલીવરી પણ અમારી ત્યાં જ થઇ હતી. તેઓને વિશ્વાસ હોવાથી બીજી ડિલીવરી માટે પણ અહીંયા જ આવ્યા હતા. સવારે સર્જરી કરવાની હતી. પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઇ જતા પહેલા ચેક કર્યા તો બધું બરાબર હતું. ઓપરેશન થિયેટરની બહાર જ એકદમ પેશન્ટનું હાર્ટ બંધ થઇ ગયું હતું. અમારા પાંચ ડોક્ટર્સની ટીમ ત્યાં જ હાજર હતી. અમે પેશન્ટને બચાવવાની કોશિશ કરી પરંતુ, સફળ ના થયા. અમે સારવારમાં કોઇ બેદરકારી રાખી નથી.