કૂતરાને ટુ વ્હીલર પાછળ બાંધી ઢસડતા આંખનો ડોળો બહાર આવી ગયો
એનિમલ સંસ્થાની મહિલા કાર્યકરે બે યુવકો સામે ફરિયાદ આપી
વડોદરા,કૂતરાને દોરડા વડે બાંધીને ટુ વ્હીલર પાછળ બાંધી ઢસડી જઇ અવાવરૃ જગ્યાએ ફેંકી દેનાર બે યુવકો સામે સંસ્થાની મહિલા કાર્યકરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ સયાજી નગરમાં રહેતા મહિલા વકીલ પાયલબેન ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું પીપલ્સ ફોર એનિમલ સંસ્થામાં પણ સેવાનું કામ કરૃં છું. ગત તા.૧૬મી નવેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે અમારી સંસ્થાના ગૃપમાં મેસેજ આવ્યો હતો કે, તાંદલજા એકતા નગર પાસે નિલેશ નગીનભાઇ માળી તથા અરવિંદ રમણભાઇ માળી ( બંને રહે. કાળી તલાવડી, એકતા નગર પાસે)એ કૂતરાને મારી પોતાના ટુ વ્હીલરની પાછળ દોરડા વડે બાંધીને ઢસડીને ખેતરાળ વિસ્તારમાં લઇ જઇ ઇજાગ્રસ્ત હાલતમાં ફેંકી દીધો છે. જેથી, અમે ૧૭મી તારીખે રાતે સાડા આઠ વાગ્યે તેઓને શોધવા માટે નીકળ્યા હતા. કૂતરૃં ઇજાગ્રસ્ત હાલતમાં એકતા નગરની પાછળ ખુલ્લી અવાવરૃં જગ્યાએથી મળી આવ્યું હતું. કૂતરાની જમણી આંખનો ડોળો બહાર નીકળી ગયો હતો. તેમજ તેનું મોંઢું અને ગળું દોરડું બાંધવાના કારણે ફૂલી ગયું હતું. તે જાતે હલન ચલન પણ કરી શકતું નહતું. કૂતરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.