જૂના બોયફ્રેન્ડે અંગત સમયના વીડિયો યુવતીના મંગેતરને બતાવી દીધા
તું મારો નંબર બ્લોક કરી દઇશ તો તારા ફોટા અને વીડિયો વાયરલ કરી દઇશ
પોલીસે મોબાઇલ ફોન કબજે લીધો
વડોદરા,બોયફ્રેન્ડે યુવતીની સગાઇ અન્ય યુવક સાથે થતા જૂના બોય ફ્રેન્ડે તેમના અંગત ફોટા અને વીડિયો યુવતીના મંગેતરને બતાવી દઇ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી જૂના બોયફ્રેન્ડની ધરપકડ કરી મોબાઇલ ફોન કબજે લીધો છે.
૨૦ વર્ષની યુવતીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૧ થી હું અને પ્રિયાંસ ઇન્દ્રવદનભાઇ ઠાકોર (રહે. તલસટ ગામ) ફોન પર વાતચીત કરતા હતા. ત્યારબાદ અમારી વચ્ચે મિત્રતા થઇ હતી. તે દરમિયાન પ્રિયાંસે મારા ફોટા તથા વીડિયો તેના મોબાઇલમાં ઉતાર્યા હતા. તે ફોટા અને વીડિયો તેને મોબાઇલ ફોનમાં સેવ કરી રાખ્યા હતા. ત્યારબાદ મારી બહેનપણીએ અન્ય એક યુવક સાથે સપ્ટેમ્બર - ૨૦૨૩ માં મારી ઓળખાણ કરાવી હતી. અમે એકબીજા સાથે વાતો કરતા હતા ત્યારબાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. જેથી, મેં પ્રિયાંસને ફોન કરીને કહ્યું કે, મારા લગ્ન અન્ય યુવક સાથે થવાના છે. તું હવે મને ફોન ના કરીશ. ચાર મહિના પહેલા મારી સગાઇ તે યુવક સાથે થઇ હતી. તેની જાણ પ્રિયાંસને થતા તેણે મને ધમકી આપી હતી કે, ભલે તારી સગાઇ થઇ ગઇ હોય.પરંતુ, તારે મારી સાથે વાત કરવી પડશે. જો તું મારો નંબર બ્લોક કરી દઇશ તો તારા ફોટા અને વીડિયો વાયરલ કરી દઇશ. તે મારા પિતાને પણ ગાળો બોલી એવી ધમકી આપતો હતો કે, હું તેમને પણ જોઇ લઇશ. પાંચ દિવસ પહેલા પ્રિયાંસે મારા મંગેતરને વિશ્વામિત્રી ફાટક માંજલપુર ખાતે મળવા બોલાવ્યો હતો. તેણે મંગેતરને અમારા અંગત ફોટા અને વીડિયો બતાવી તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. પી.આઇ.એમ.કે.ગુર્જરે આરોપી પ્રિયાંસને ઝડપી લીધો હતો. પ્રિયાંસે મોબાઇલ ફોન કરીને આપેલી ધમકીનું રેકોર્ડિંગ પણ પોલીસને ફોનમાંથી મળી આવ્યું છે.