દહેગામના વાસણા સોગઠીમાં એક સાથે આઠ યુવાનોની અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચઢ્યું

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
દહેગામના વાસણા સોગઠીમાં એક સાથે આઠ યુવાનોની અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચઢ્યું 1 - image


ગણેશ વિસર્જન પહેલાં મેશ્વો નદીમાં ડુબી જતાં કરૃણાંતિકા સર્જાઇ હતી

મૃતકોમાં એક પરિવારના બે સગા ભાઇઓ અને કાકા- ભત્રીજાના મોત નિપજ્યાં દહેગામ વેપારી મંડળ દ્વારા સોમવારે સવારે ૮ થી ૧૦ દરમિયાન બંધનું એલાન

દહેગામ :   દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે ગઈકાલે નદીમાં ડૂબી જવાથી ૮ યુવકોના મોત નીપજ્યાં હતા. પ્રથમ એક યુવક મેશ્વો નદીમાં ડૂબી જતા તેને બચાવવા માટે એક પછી એક કરી આ નદીમાં પડયા હતા. નદીમાં પાણી વધુ હોવાથી તમામના મોત નીપજ્યા હતા. આજે વાસણા સોગઠી ગામે એક સાથે આઠ આઠ અર્થી નીકળતા ગામ આખું હિબકે ચઢયું હતું. મૃતકોમાં એક પરિવારના બે ભાઈઓના પણ મોત થયા હોવાથી હૈયાફાટ રુદનથી હાજર સૌ કોઈની આંખોમાં આસું આવી ગયા હતા. તમામ મૃતકોને એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો તે સમયે કરુણ દ્રશ્યોે સર્જાયા હતા. અંતિમયાતામાં હજારો લોકો ઉમટી પડયા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે નદીમાં ડૂબી ગયેલા ૮ યુવકોના દહેગામ અને રખિયાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ બાદ આજે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મૃતકોમાં બે સગા ભાઈઓ, એક પરિવારના કાકા ભત્રીજાના પણ મોત થયા હોવાથી આ પરિવારમાં રોકકળના દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બન્યું હતું. તો એક પરિવારમાં શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ થયાના બાદ પત્નીના કુખે બાળક અવતરે તે પહેલા પિતાએ જીવ ગુમાવતા પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડયો હતો. આ અંતિમયાત્રામાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહીત અનેક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ ઘટના બાદ સમગ્ર તાલુકામાં માતમ છવાયો છે અને અને દહેગામ શહેર તેમજ તાલુકાના ગણેશ પંડાલોમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો દહેગામ વેપારી મંડળ દ્વારા સોમવારે સવારે ૮ થી ૧૦ દરમિયાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ દિવસે વેપારીઓ વારાહી માતાજીના મંદિરે એકઠા થઇ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૌન રેલી કાઢશે.કલોલ ખાતે આવેલા રામજી મંદિરમાં આજે એકાદશીના શુભ દિવસે રામજી ભગવાનની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાંથી ધર્મપ્રેમી જનતાએ અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.   


Google NewsGoogle News