શિક્ષણમંત્રી પણ ચપેટમાં આવી ગયા,લોકોએ કહ્યું,કિટ નથી જોઇતી,પાણીના નિકાલનું કાયમી સોલ્યુશન લાવો
વડોદરાઃ વાઘોડિયારોડ વિસ્તારમાં વોર્ડ નંબર-15 ના વિસ્તારમાં આજે કિટ વિતરણ કરવા ગયેલા શિક્ષણ મંત્રીને પણ લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. વાઘોડિયારોડની રામવાટિકા સોસાયટીની પાછળનો વિસ્તાર એવો છે કે જ્યાં બે-ત્રણ ઇંચ વરસાદ પડતાં જ પાણી ભરાઇ જાય છે.વળી આ પાણીનો નિકાલ પણ સૌથી છેલ્લે થાય છે.આ વિસ્તારની સોસાયટીઓના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ પાણી નિકાલનો કોઇ જ ઉકેલ આવ્યો નથી.
આ વખતે પૂરને કારણે સાંઇ આશિષ સોસાયટી,સોમનાથ નગર,સાંઇ વિહાર,સાંઇ આશિષ ડુપ્લેક્સ,વલ્લભ વાટિકા,પ્રમુખ પાર્ક, શ્રીનાથ દિપ સહિતની સંખ્યાબંધ સોસાયટીઓ અને તેની આસપાસના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા.અનેક મકાનોમાં પાણી ભરાઇ જતાં ભારે નુકસાન પણ થયું હતું.
દરમિયાનમાં આજે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર દ્વારા વોર્ડ નંબર-15ના વિસ્તારમાં કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.પરંતુ તે દરમિયાન અનેક લોકોએ દૂરથી જ કિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે અમારે કિટની જરૂર નથી તેમ કહી પાણીના નિકાલનો કાયમી ઉકેલ જોઇએ છે તેમ કહી ઠંડો રોષ ઠાલવ્યો હતો.