શિક્ષણ સમિતિએ ચાલુ વર્ષે વધુ ૬ માધ્યમિક શાળા શરૃ કરી
૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા : ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ પણ યોજાશે
વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં ૪ માધ્યમિક શાળાઓ ચાલુ કરાઇ હતી અને ચાલુ વર્ષે તેમાં વધારો કરીને બીજી ૬ નવી માધ્યમિક શાળાઓ શરૃ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય અને વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહે તે માટે માધ્યમિક શાળાઓ ગયા વર્ષથી શરૃ કરી છે. આમ, હાલ ૧૦ માધ્યમિક શાળાઓ કાર્યરત થઇ છે અને તેમાં ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે, તેઓને પણ વિનામૂલ્યે તમામ સુવિધા અપાઇ રહી છે. શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ પણ થનાર છે.
હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૧૯ પ્રાથમિક શાળાઓના ૪૧૦૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને ૪ માધ્યમિક શાળાઓના ૨૮૦થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે સમિતિ સંચાલિત બાલવાડીમાં ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા છે. શાળાઓમાં અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પુરી પાડવામાં આવશે. બાલવાટિકાથી ધોરણ-૮ના વિદ્યાર્થીઓને ગણવેશ, પાઠયપુસ્તકો, નોટબુક, બુટ, મોજા વગેરેની સુવિધા પણ અપાશે, તેમ સમિતિ દ્વારા જણાવાયું છે.