Get The App

ગાંધીનગર બેઠકમાં આજ સાંજથી ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ જશે

Updated: May 4th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર બેઠકમાં આજ સાંજથી  ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ જશે 1 - image


ચૂંટણી જાહેર થઇ તે પહેલાથી શરૃ કરાયેલો પ્રચાર બંધ થઇ જશે

ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ વિસ્તાર છોડી દેવો પડશે : પ્રચાર બાદ મતદારો ઉપર મદાર

ગાંધીનગર :  ગાંધીનગર લોકસભા બેઠક માટે મંગળનવારે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૃ થવાની છે તેના ૪૮ કલાક પહેલા એટલે કે આવતીકાલ સાંજે પાંચ વાગ્યાથી જિલ્લામાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો દ્વારા આવતીકાલે છેલ્લી ઘડીનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવશે જેમાં રોડશોનું આયોજન થશે પ્રચાર પૂર્ણ થઈ ગયા બાદ રાત્રે ઉમેદવારો ખાટલા પરિસદો અને સોસાયટીઓમાં બેઠકનો દૌર યોજશે અને મતદારોને પોતાના તરફી આકર્ષવા માટે પ્રયત્નો કરશે. છેલ્લા ૪૮ કલાક ઉમેદવારો માટે અતિ મહત્વના સાબિત થતાં હોય છે ત્યારે છેલ્લી ઘડીની સોગઠી ઉપર જ નક્કી થતાં હોય છે.

 ગાંધીનગર લોકસભાની બેઠક માટે આમ તો મોટી કોઇ સભા કે સરઘસ-રેલી પક્ષની નિકળી નથી. પક્ષોએ પ્રચાર કર્યો છે તેના કરતા તો મતદાનનો ગ્રાફ ઉંચો લાવવા માટે ચૂંટણી તંત્રએ વધુ મહેનત કરી છે. તેવી સ્થિતિમાં વચ્ચે રાજકીયરીતે આવતીકાલ સાંજે પાંચ વાગ્યાથી જિલ્લામાં ચૂંટણી પ્રચાર શાંત થઈ જવાનો છે. તે પહેલા રાજકીય પક્ષો રેલી સરઘસ યોજીને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરવાના છે. ગાંધીનગરમાં રોડ શોનું આયોજન થઈ ચુકયું છે. સાંજે પાંચ વાગ્યે આ પ્રચાર અભિયાન શાંત થતાની સાથે જ ઉમેદવારો હવે જાહેરની જગ્યાએ ખાનગીમાં પ્રચાર અભિયાન શરૃ કરશે જેમાં કોઈપણ પોકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી મતદારોને રિઝવવાના પ્રયાસ થશે. ઉમેદવારો અને પક્ષો દ્વારા  ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા પરિષદ પણ કરાશે. કેમકે ગ્રામ્ય વિસ્તારનું મતદાન દર ચૂંટણીમાં વધારે જોવા મળતું હોય છે.ત્યારે વાતાવરણ ડ્હોળાય નહીં તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તે મતદાર ક્ષેત્રમાં રહેવું નહીં તેવુ ફરમાન પણ કર્યું છે. બહારના રાજકીય કાર્યકર્તાઓ પ્રચાર સમય પુર્ણ થયાથી મતદાન પુર્ણ થયા સુધી અહીં આવી શકશે નહીં.એટલુ જ નહીં, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અને તેને મદદ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ પોલીસને સુચના આપવામાં આવી છે. 

 તો બીજી બાજુ ચૂંટણી તંત્ર પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બની જશે.મંગળવારે મતદાન હોવાથી છેલ્લી ઘડીની કામગીરીને પણ આખરી ઓપ આપી દેવામાં આવશે. સોમવારેવારે તમામ વિધાનસભા વિસ્તારના ડીસ્પેચ સેન્ટર ખાતે ઈવીએમને મતદાન મથક સુધી મોકલવાની કામગીરી શરૃ કરવામાં આવશે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લામાં ર૦૦૦થી વધુ પોલીસ જવાનો હોમગાર્ડ અને ઘણી કંપની સીપીએમએફ ગોઠવી દેવામાં આવશે.


Google NewsGoogle News