મગરના મોંઢામાંથી છોડાવેલી મૃતક મહિલાના પર્સમાંથી મોબાઇલ નંબર મળતાં ઓળખાઇ
વડોદરાઃ કાલાઘોડા બ્રિજ નીચે મગરના મોંઢામાંથી છોડાવેલી મૃતક મહિલાની ઓળખ થઇ જતાં મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. મહિલાનો મૃતદેહ કેવી રીતે મગર પાસે પહોંચ્યો તેની પોલીસે તપાસ કરતાં સીસીટીવી ફૂટેજમાં મહિલા ચાલતી જતી નજરે પડી હતી.
સયાજીગંજના પીઆઇ ઝેડ એન ધાસુરાએ કહ્યું હતું કે,મહિલા નદીમાં કેવી રીતે ગઇ તે જાણવા માટે સીસીટીવી ચેક કરતાં વહેલી સવારે ઘેરથી નીકળી ગયેલી મહિલા ૪.૫૨ વાગે કાલાઘોડા બ્રિજ પરથી ચાલતી જતી દેખાઇ હતી.જેથી તે પોતાની જાતે જ નીચે ઉતરી હોય તેમ માની શકાય છે.
મૃતક મહિલા પાસે નાનું પર્સ મળી આવતાં તેમાંથી મોબાઇલ નંબર મળ્યો હતો. જેથી પોલીસે સંપર્ક કરી પરિવારજનોને હોસ્પિટલ પર બોલાવતાં તેમણે મૃતદેહને ઓળખ્યો હતો. પાણીગેટના બાવામાનપુરા ખાતે રહેતી સલમા નામની મહિલા બીમારીથી પીડાતી હોવાનું પણ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જેથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.