રિક્ષા લઇને અંબાજી જતા વસ્ત્રાલના ચાલકનું અજાણ્યા વાહનની અડફેટે મોત

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
રિક્ષા લઇને અંબાજી જતા વસ્ત્રાલના ચાલકનું અજાણ્યા વાહનની અડફેટે મોત 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા પાસે

રિક્ષામાં સામાન લઈ પદયાત્રિઓ સાથે અંબાજી જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના : ડભોડા પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે અંબાજી જઈ રહેલા વસ્ત્રાલના રીક્ષા ચાલકનું મોત થયું છે. જે સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા રિક્ષાચાલકની શોધખોળ શરૃ કરી હતી.

ગાંધીનગર આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત મંગળવારની રાત્રે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓનો સામાન ભરીને જતી રીક્ષાને અજાણ્યા વાહને અડફેટે લેતા તેના ચાલકનું શરીરે ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વાલ ખાતે રહેતા ગોપાલભાઈ તેમના પાડોશી વિજય બુધાભાઈ રાવળની રીક્ષા લઈને આસપાસમાં રહેતા પદયાત્રીઓનો સામાન ભરીને અંબાજી જવા માટે નીકળ્યા હતા. મંગળવારની રાત્રે નાનાચિલોડાથી ચિલોડા તરફના હાઇવે માર્ગ ઉપર લીંબડીયા પાસેથી તેમની રીક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક તેમની રીક્ષાને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગોપાલભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેમના ભત્રીજા રાહુલ અરવિંદભાઈ ઠાકોરની ફરિયાદના આધારે ડભોડા પોલીસ અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરી હતી.


Google NewsGoogle News