બિશ્નોઇ ગેંગનો દારૃ લઇને જતો કન્ટેનરનો ડ્રાઇવર રિમાન્ડ પર
૮ મહિનામાં પોલીસે બિશ્નોઇ ગેંગનો ૧.૨૧ કરોડનો વિદેશી દારૃ કબજે કર્યો
વડોદરા,ગોવા થી વિદેશી દારૃ ભરીને હાલોલ તરફ જતા કન્ટેનરને પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વોચ ગોઠવીને ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડયું હતું. આ કેસમાં પકડાયેલા આરોપી ડ્રાઇવરને પ ોલીસે કોર્ટમાં રજૂ કરી ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
થર્ટી ફર્સ્ટના પગલે ફરીથી સક્રિય થયેલી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના વિદેશી દારૃ ભરેલા કન્ટેનરને પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડયું હતું. પોલીસે વિદેશી દારૃની ૩૩,૬૪૮ બોટલ કિંમત રૃપિયા ૩૮.૪૪ લાખ તથા કન્ટેનર અને રોકડા મળી કુલ રૃપિયા ૪૮.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે કન્ટેનરના ડ્રાઇવર શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ (રહે.સાંગાડવા ગામ, જિ.સાંચોર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. જ્યારે બિશ્નોઇ ગેંગના સાગરીતો અશોક પુનમારામ બિશ્નોઈ ( રહે. સાંગડવા, જિ.સાંચોર, રાજસ્થાન) તથા સુરેશ કેશારામ બિશ્નોઈ ( રહે.નેડીવાડી જિ.બાડમેર, રાજસ્થાન)ની શોધખોળ હાથ ધરી હતી. આજે પીસીબી પોલીસે ડ્રાઇવરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, આરોપીઓને દારૃ માટે કોણ ફાઇનાન્સ પૂરૃં પાડે છે, વાહનની વ્યવસ્થા કોણ કરી આપે છે, ગેંગમાં કેટલા સભ્યો સક્રિય છે, તેની તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પીસીબી પીઆઇ એસ.ડી.રાતડાએ જણાવ્યું હતું કે, આરોપી શ્રવણનો છેલ્લા આઠ મહિનામાં ૧.૨૧ કરોડનો દારૃ કબજે કરવામાં આવ્યો છે.