માનવતા હજી મરી પરવારી નથી..વાન મૂકીને ડ્રાઇવર દોડ્યો,ત્રણ બાળકોને એમ્બ્યુલન્સમાં મૂક્યા
રવિન્દ્ર રાઠવાએ ફોન કરી તેના પિતા અને ભાઇને પણ મદદ માટે બોલાવી લીધા
વડોદરાઃ હરણી તળાવમાં બાળકો તરફડિયાં મારી રહ્યા હતા ત્યારે કેટલાક જાંબાઝ યુવકો રેલિંગ તોડીને કૂદી પડયા હતા અને એક પછી એક બાળકને બહાર કાઢતા હતા.
હરણી ગામમાં રહેતા અને સ્કૂલ વર્દીની વાનમાં બાળકોને લાવતા લઇ જતા રવિન્દ્ર રાઠવા બપોરે સાડા ચારેક વાગે બાળકોને લઇ પસાર થતા હતા ત્યારે તેમણે નાસભાગ જોઇ હતી.
એક પળનો વિચાર કર્યા વગર રવિન્દ્રએ વાન બાજુએ મૂકી હતી અને તળાવ તરફ દોડયો હતો.આ વખતે બોટ ઉંધી હતી.કેટલાક યુવકો અંદર કૂદ્યા હતા.એક યુવકે ડૂબતા બાળકને બહાર કાઢી કિનારા તરફ લાવતાં મેં આ બાળકને ઉંચકી લઇ બહાર એમ્બ્યુલન્સમાં મૂકયું હતું.
આવી રીતે ત્રણ બાળકોને મેં તળાવના કિનારેથી ઉંચકીને બહાર એમ્બ્યુલન્સ સુધી લઇ ગયો હતો.પરંતુ તે બાળકો જીવિત હતા કે નહિં તેની મને જાણ નથી.ત્યારબાદ મારા પિતાને અને મારા ભાઇને પણ જાણ કરી મદદ માટે બોલાવી લીધા હતા.મારાભાઇએ બોટ સીધી કરવામાં મદદ કરી હતી.