બિલ્ડિંગના પાંચમા માળેથી નીચે ઝંપલાવી ડ્રાઇવરે જીવન ટૂંકાવ્યું
આપઘાતનું રહસ્ય અકબંધ ઃ ઓફિસના માલિક, મેનેજર અને સુપરવાઇઝરના નિવેદન લેવાશે
વડોદરા,ગોરવા કલ્પવૃક્ષ બિલ્ડિંગના પાંચમા માળેથી આજે સવારે સાડા નવ વાગ્યે ડ્રાઇવરે નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોત્રી ચંદ્રમૌલેશ્વર સોસાયટીની સામે ગાયત્રી નગરમાં રહેતો ૩૫ વર્ષનો સુભાષ હરિશચંદ્ર મૌર્ય છેલ્લા સાત મહિનાથી ગોરવા કલ્પવૃક્ષ બિલ્ડિંગમાં આવેલા બરોડા લાઇફ મેનેજમેન્ટ પ્રા.લિ.માં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ઓફિસની એક ચાવી તેની પાસે જ રહેતી હતી. આજે સવારે છ વાગ્યે ઓફિસ જવાનું કહીને તે ઘરેથી નીકળી ગયો હતો. સવારે સાડા નવ વાગ્યે તેણે ઓફિસની બારીમાંથી નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. બિલ્ડિંગ પરથી નીચે પડતું મૂકવાના કારણે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક પાસેથી કોઇ ચિઠ્ઠી મળી નથી. જેથી, આપઘાતનું કારણ જાણી શકાયું નથી. ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન.લાઠિયાએ જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસ દરમિયાન આપઘાતની પાછળ નોકરીનું કોઇ કારણ જણાઇ આવતું નથી. આવતીકાલે ઓફિસના માલિક, મેનેજર અને સુપરવાઇઝરને નિવેદન માટે બોલાવ્યા છે. ઓફિસમાં સીસીટીવીના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવશે. સુભાષ મૌર્યને બે સંતાનો છે. તેણે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે હજી રહસ્ય અકબંધ છે.