ટ્રકમાં ટ્રાન્સફોર્મરની સાથે દારૃ ભરીને જતા ડ્રાઇવર ક્લિનર ઝડપાયા
૧૦.૧૦ લાખનો દારૃ, ટ્રક તથા ટ્રાન્સફોર્મર મળી કુલ ૪૩.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા,ટ્રકમાં ટ્રાન્સફોર્મર ભરી બાકીની જગ્યામાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરને પીસીબી પોલીસે ઝડપી પાડી ૧૦.૧૦ લાખનો દારૃ કબજે કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક ટ્રકમાં ટ્રાન્સફોર્મરની આડમાં પ્લાયવુડના બોક્સમાં વિદેશી દારૃ ભરેલો છે. આ ટ્રક હરિયાણાના નુહથી નીકળી હાલોલ થઇ ગોલ્ડન ચોકડી નજીકથી પસાર થવાની છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ગોલ્ડન ચોકડી ક્રિષ્ણા હોટલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક આવતા પોલીસે ટ્રક રોકી ચેકિંગ કરતા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર મુસ્તાક કુરશીદ ( રહે. ગામ અડબર ઉમરાવાળો મહોલ્લો, નુહ,હરિયાણા) તથા ક્લિનર મુબારક રશીદ ( રહે. બેગપહાડી સોકીન કિરાણા સ્ટોર પાસે, ભરતપુર, રાજસ્થાન) ની સામે ગુનો દાખલ કરી બિયર તથા દારૃની ૫,૨૬૮ બોટલ કિંમત રૃપિયા ૧૦.૧૦ લાખ, ટ્રક, બે મોબાઇલ ફોન, રોકડા તથા ૩૩ ટ્રાન્સફોર્મર કિંમત રૃપિયા ૧૭.૮૮ લાખ મળી કુલ રૃપિયા ૪૩.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ઇર્શાદ, આરિફ મેવ તથા મુફિદખાન ( તમામ રહે.હરિયાણા) ને વોન્ટેડ જાહેર કર્યા છે.