વડોદરાની જનતા સ્માર્ટ મીટરના મુદ્દે કોર્ટના દ્વાર ખખડાવશે
Smart Meter Controversy Vadoara : વડોદરામાં સ્માર્ટ વીજ મીટરની આગ દિન પ્રતિદિન વધુ પ્રજ્વલિત થઈ રહી છે ત્યારે જુના મીટરમાં એવી તો શું ખામી આવી કે રાતોરાત સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું. આ અંગે જે લોકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે તેવા વડોદરાના કેટલાક વિસ્તારો સહિત આસપાસના ભોગ બનેલા ગ્રામ્યજનોને એકત્ર કરીને સામાજિક કાર્યકરના નેજા હેઠળ જન આંદોલન અને ધરણાનો કાર્યક્રમ નક્કી કરવા સહિત કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અકોટા ફતેગંજ ગોરવા સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં સ્થાનિક રહીશોના જુના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે. જેમાં સ્થાનિક રહીશ પાસેથી યેનકેન જૂનું રનીંગ વીજ બીલ માંગી લેવામાં આવે છે અને નહીં આપનારને દાઢ ધમકી આપવા સહિત ધરપકડ તથા રૂપિયા 10 હજાર સુધીની દંડની કાર્યવાહીની પણ બીક બતાવવામાં આવે છે. જુના વીજબિલ કરતા સ્માર્ટ મીટરનું બિલ ત્રણ ગણું આવતું હોવાની ફરિયાદો ઠેર ઠેર થી ઉઠી રહી છે જુના મીટરમાં બે મહિનાનું મળતું વીજ બિલ માત્ર 15 દિવસમાં સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ કરાવવું પડે છે.
પરિણામે સ્માર્ટ વીજ મીટરનો ઠેર ઠેરથી વિરોધ શરૂ થયો હતો અને સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની વીજ નિગમ કચેરીએ આ અંગે હલ્લો પણ મચાવ્યો હતો. ભારે વિરોધ થવાના કારણે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વીજ મીટર નહીં લગાવવા અંગે પણ વીજ અધિકારીઓને જણાવી દીધું હતું. પરંતુ આ અગાઉ શહેરના વિવિધ વિસ્તારો સહિત આસપાસના ગામડાઓમાં પણ સ્માર્ટ વીજ મીટરની આગ ભભૂકવા માંડી હતી ઠેર ઠેર આ અંગે વિરોધ પણ શરૂ થયો હતો.
દરમિયાન જૂના વીજ મીટરમાં એવી તો શું ખામી આવી કે તાત્કાલિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ કરી દેવાયું હતું. આ અંગે સામાજિક કાર્યકરે એવું પણ જણાવ્યું હતું કે બે પંખા, બે લાઈટ, બે એસી એક રૂમમાં સ્માર્ટ મીટર અને જુના બીજ મીટર લગાવીને ચેકિંગ કરવામાં આવે અને તેમાં થતા ફેરફારની વિગતો તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.
નવા સ્માર્ટ વીજ મીટર જેમને ત્યાં લાગી ગયા છે તેવા અકોટા, ફતેગંજ, ગોરવા, રેસકોર્સ શહીદ સર્કલના અને શહેરના અન્ય વિસ્તારના રહીશો તથા આસપાસના ગામોમાં જ્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોય તેવા અસરગ્રસ્તોને એકત્ર થવા અને જરૂર પડે આંદોલન અને ધરણા જેવા કાર્યક્રમો કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત જરૂર પડે વકીલોની ટીમ દ્વારા અદાલતી દ્વાર પણ ખખડાવશે તેમ તેમણે જણાવ્યું હતું.