જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડીને રોકડા રૃપિયાની ચોરી
દાંડિયાબજારમાં રહેતું દંપતી પૌત્રીની બર્થડેની ઉજવણી માટે મહારાષ્ટ્ર ગયા અને ચોર ત્રાટક્યા
વડોદરા,જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાન પેટી તોડીને ચોર ટોળકી રોકડા રૃપિયા લઇ ગઇ હતી. જે અંગે મંદિરના પુજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાસણા ભાયલી કેનાલ રોડ પર ધ વેલેન્સીયા સોસાયટીમાં રહેતા દિપક ગોવિંદભાઇ ગુરવ કર્મકાંડ કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જેતલપુર વલ્લભ ચોક પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં પુજારી તરીકે નોકરી કરૃં છું. રોજ સવારે પાંચ વાગ્યે હું મંદિરે જઉં છું અને રાતે નવ વાગ્યે પુજા પાઠનું કામ કરીને ઘરે જઉં છું. ગત તા.૫ મી એ રાતે સાડા નવ વાગ્યે હું મંદિર બંધ કરીને ઘરે જતો રહ્યો હતો. બીજે દિવસે સવારે પાંચ વાગ્યે મંદિરના પાછળના ગેટનું લોક ખોલીને હું અંદર ગયો હતો. મંદિર પરિસરના ફૂલ તોડીને લાઇટો ચાલુ કરીને જોયું તો મંદિરની અંદરનો ઉત્તર દિશા તરફનો ગેટ ખુલ્લો હતો. ગેટ પર લગાવેલા તાળાનો નકુચો તોડીને દિવાલમાં ફિટ કરેલી દાન પેટી ખુલ્લી હતી. દાન પેટીમાં જોતા પૈસા નહતા. આ દાન પેટી દર વર્ષે શ્રાવણ મહિના પછી અને શિવરાત્રિ પછી એમ વર્ષમાં બે વખત મામલતદારની હાજરીમાં ખુલતી હોય છે. પાંચ મહિના પહેલા દાન પેટી ખોલી હતી. ત્યારબાદ દાન પેટી ખોલી નહતી.દાન પેટીમાં અંદાજે ૪૪ હજાર હોવાનું મારૃં અનુમાન છે.
જ્યારે અન્ય એક બનાવમાં દાંડિયાબજાર જંબુબેટ વિસ્તારમાં રશ્મિ સાડીની બાજુમાં રહેતા સતિષભાઇ નરસિંહભાઇ જોશી રેલવેમાંથી નિવૃત્ત થયા છે. ગત તા. ૩૧ મી એ તેઓ પત્ની સાથે મહારાષ્ટ્રના પનવેલ ખાતે પૌત્રીના જન્મ દિવસની ઉજવણી માટે ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી તેમના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા ૯૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૫૭ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે તેમણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.