હરણી બોટકાંડમાં પૂર્વ મ્યુ. કમિશનર સામેના દસ્તાવેજી પુરાવા પોલીસ કમિશનરને આપ્યા
પોલીસ કમિશનરે તમામ પાસાઓના અભ્યાસ પછી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી
વડોદરા, હરણી લેકઝોન દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોત થયા હતા. આ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બે મ્યુનિસિપલ કમિશ્નરને પણ જવાબદાર ઠેરવ્યા છે ત્યારેે બન્ને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એફઆઇઆર નોંધવા માટે આજે પોલીસ કમિશનરને વાલીઓ મળવા ગયા હતા.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષિકાઓના સ્વજનોને ગઇકાલે પોલીસ કમિશનર સાથે મુલાકાત નહીં થતા આજે ફરીથી તેઓ પોલીસ ભવન પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટેના હુકમમાં બોટ દુર્ઘટનાના કેસમાં વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ, પૂર્વ કમિશનર એચ.એસ પટેલને જવાબદાર ઠેરવ્યા છે અને બંને સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાની તપાસ બાદ ઘટસ્ફોટ થયો છે કે લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. હાઈકોર્ટનું સમગ્ર મામલે અવલોકન છે કે પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી નહોતી છતાં કમિશ્નરે મંજૂરી આપી દીધી હતી.
વાલીઆએ બે મહિના અગાઉ પણ ફરિયાદ આપી બન્ને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવા માટે માંગણી કરી હતી.ં તેઓની માંગણી છે કે, વડોદરા પોલીસ કમિશનરે ફરિયાદ દાખલ કરવી જોઇએ. આજે પોલીસ કમિશનર સાથે અંદાજે ૧૫ મિનિટ સુધી મુલાકાત કરી બંને અધિકારીઓ સામેના દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટના ઓર્ડરની નકલ આપવામાં આવી હતી. પોલીસ કમિશનરે તમામ પાસાઓના અભ્યાસ પછી જરૃરી નિર્ણય લઇ યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.જ્યારે આજે કોંગ્રેસ પ્રમુખે પણ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.