સારાભાઇ કેમ્પ્સમાં આવેલી વિઝા કન્સલટન્ટ ઓફિસના સંચાલકોએ રૃ.26લાખ પડાવી ઓફિસ બંધ કરી દીધી
વડોદરાઃ સારાભાઇ કેમ્પસમાં વિઝા અને વર્ક પરમિટનું કામ કરતી ઓફિસના સંચાલકોએ બે ગ્રાહકોને યુકેના વર્ક પરમિટ અપાવવાના નામે રૃ.૨૬.૫૦ લાખ પડાવી ઓફિસને તાળાં મારી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વિઝાનુ કામ કરતા મહેન્દ્રભાઇ પટેલે (વિઠ્ઠલબાગ સોસાયટી,માંજલપુર, મૂળ માંજરોલ,શિનોર)પોલીસને કહ્યું છે કે,મારા મહેસાણાના ક્લાયન્ટ હાર્દિકભાઇ સાગરને યુકે જવું હતું.પરંતુ હું વર્ક પરમિટનું કામ નહિ કરતો હોવાથી અમે સારાભાઇ કેમ્પસમાં ઓસન બિલ્ડિંગના દસમા માળે આવેલી એવીઝોન આઇટી સોલ્યુશન નામની ઓફિસમાં ડિરેક્ટર સૌરભ બેનર્જી,તેની પત્ની શીખા ઉર્ફે દિક્ષા બેનર્જી,અવિનાશ વ્યાસ અને ઓથોરાઇઝ પરસન તરીકે ઓળખ આપનાર નંદિની શિન્દે ને મળ્યા હતા.
સંચાલકોએ રૃ.૨૫લાખમાં ત્રણ વર્ષ માટેના વર્ક પરમિટની વાત કરી રૃ.૨૧ લાખ લીધા હતા.મારા ક્લાયન્ટને યુકેની કંપનીનો લેટર પણ આપ્યો હતો.પરંતુ તેમાં સરનામું ખોટું હોવાથી આ લેટર સુધારવા માટે પરત લઇ લીધો હતો.વારંવાર માંગણી કરવા છતાં લેટર આપતા નહતા.જેથી યુકેમાં તપાસ કરતાં આવી કોઇ કંપની નહિં હોવાની વિગતો ખૂલી હતી.
મહેન્દ્રભાઇએ કહ્યું છેકે,રૃપિયાની ઉઘરાણી માટે અમે ઓફિસે જતાં ગોળગોળ જવાબો મળતા હતા અને ત્યારબાદ ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થઇ ગયા હતા.અમારી જેમ કાર્તિક વસાવડા(શુભમ રેસિડેન્સી,ન્યુ અલકાપુરી) સાથે પણ આવી રીતે રૃ.૫.૫૦ લાખ પડાવી લીધા હોવાની વિગતો જાણવા મળી છે.જેથી ગોરવા પોલીસે ચારેય ડિરેક્ટર સામે ગુનો નોંધ્યો છે.