ગિફ્ટ સિટીને ફરતા પાંચ ગામડાનો વિકાસ હવે સ્થાનિક તંત્રના હાથમાં

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
ગિફ્ટ સિટીને ફરતા પાંચ ગામડાનો વિકાસ હવે સ્થાનિક તંત્રના હાથમાં 1 - image


શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઇચ્છા શક્તિ જગાવાય તો વિકાસ થશે

શાહપુરફીરોજપુરરતનપુરલવારપુર અને વલાદ ગામ વિસ્તાર માટે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર થાય તો કામ બનશે

ગાંધીનગર : ગિફ્ટ સિટીનું એક્સપાન્સન સરકારે સત્તાવાર પડતું મુક્યું છે. પરિણામે ગાંધીનગરના શાહપુર, ફીરોજપુર, રતનપુર, લવારપુર અને વલાદ એમ પાંચ ગામના ૯૯૬ હેક્ટર વિસ્તારને વિકસાવવાની પ્રક્રિયા ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળે કરવાની રહે છે. પરંતુ આ વિસ્તાર હજુ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ રહેલો છે. તેના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવાની રહે છે. તેથી ગુડા તંત્ર જો ઇચ્છા શક્તિ જગાડે તો કામ બનશે.

વિશ્વભરમાં જેની નોંધ લેવાઇ છે અને દેશ, દુનિયાની આથક સંસ્થાઓ પોતાની કચેરીઓ જ્યાં ખોલી રહી છે. તેવા ગાંધીનગરના સિમાડે વિકસાવાયેલા ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં નિર્ણયો લેવાયા હતાં અને ઉપરોક્ત પાંચ ગામની ખાનગી જમીનો સંપાદન કરવા નક્કી કરાયુ હતું. પરંતુ આ યોજના સરવાળે વધુ ખર્ચાળ બનવા સહિત તેમાં વિવિધ પ્રશ્નો ઉભા થવાની બાબતો સામે આવતાં આખરે ગિફ્ટ સિટીનું વિસ્તરણ સત્તાવાર જ પડતું મકી દેવામાં આવ્યું છે. કેમ, કે  તેમાં ખાનગી જમીનો ખરીદવીને સંપાદન કરવાની થતી હતી અને આ વિસ્તારમાં જમીનોના બજાર ભાવ તો સોનાની લગડીથી પણ વધુના સ્તરે પહોંચી ગયેલ છે. તેવા ભાવ આપીને સરકાર જમીન ખરીદે અને તેને ડેવલપ કરીને વેચે તો લેનારને પોષાય નહીં તેવી સ્થિતિનું સર્જન થવાની વાત સામે આવી હતી. આખરે આ સંબંધે લેવાયેલા નિર્ણયો અને બહાર પાડેલ જાહેરનામ રદ કરી દેવાયા છે. સાથે સામાન્ય શહેરી વિસ્તારની જેમ જ આ વિસ્તાર હવે ગુડા વિસ્તારમાં સમાવિષ્ટ રહેશે. જે પૈકી શાહપુર અને લવારપુરનો કેટલોક ભાગ અગાઉ પણ હતો. મતલબ કે આ વિસ્તારમાં હવે માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું પણ ગાંધીનગર શહેરીવિકાસ સતામંડળની જવાબદારીમાં રહેશે.

પાંચ ગામના લગત વિસ્તાર માટે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવી પડે

ગાંધીનગરના શહાપુર, ફીરોજપુર અને રતનપુરના ત્રિભેટે સરકારી જમીન પર ગિફ્ટ સિટીને સાકાર કરાઇ રહ્યું છે. પરંતુ જે ૯૯૬ હેક્ટરનો વિસ્તાર હવે છોડી દેવાયો છે. તેમાં શાહપુર, ફીરોજપુર, રતનપુર, લવારપુર અને વલાદ ગામનો વિસ્તાર આવે છે. તેને વિકસાવવો હોય અને ટીપી સ્કીમોમા સામેલ વિસ્તારો જેવો વિકાસ કરવો હોય તો આ વિસ્તારોને સમાવતી જમીન સંબંધે પણ નવી ટાઉન પ્લાનિંગ સ્કીમોની રચના કરવાનું અનિવાર્ય બની રહે છે. કેમ, કે હલની સ્થિતિએ આ વિસ્તારમાં કોઇ ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં નથી. પરંતુ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ જમીન વિસ્તાર આવેલા છે. આ પૈકી માત્ર લવારપુર અને શાહપુરનો કેટલોક ભાગ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૨૫ અંતર્ગત આવેલો છે. જે હાલના શાહપુર અને લાવારપુરના મુક્ત કરાયેલા વિસ્તારનો ભાગ નથી. પરિણામે નવેસરથી એકડો ઘુટીને જ આ વિસ્તારને વિકસાવી શકાય છે.

ચાર્જના અધિકારીઓ માટે મોટા કામ અને મોટી જવાબદારી ઉઠાવવી કઠિન

છેલ્લે મહાપાલિકાની હદનું વિસ્તરણ કરાયું ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળની હદમાં આવતા ૧૮ ગામ અને એક નગરપાલિકા વિસ્તારને તેમાં સામેલ કરવામાં આવ્યાના પગલે ગુડાનું કામકાજ અને આવક બન્ને ઘટી ગયા હતાં. જેના પગલે સરકાર દ્વારા આ નાનકડા તંત્રને ચલાવવા માટે અધિકારીઓને ચાર્જ સોંપવાનું શરૃ કર્યુ હતું. ઔડાનો ભાર સંભાળનારા અધિકારી એકાદ દિવસ ગુડાનો આંટો મારી જાય તેવી સ્થિતિનું સર્જન કર્યુ હતું. હાલની સ્થિતિ તો તેનાથી પણ ગયેલી છે. ગુડાના મુખ્ય કારોબારી અધિકારી નિમાયેલા ભવ્ય વર્માએ ઔડાના તંત્રને ચલાવવા ઉપરાંત રાજ્ય કક્ષાના વિભાગો પણ ચલાવવાના છે. એ વાત સ્પષ્ટ છે, કે ચાર્જના અધિકારીઓ સામે ચાલીને મોટા કામ કે મોટી જવાબદારીઓ લઇ શકે તેવો સમય તેમના પાસે બચતો નથી. તેથી ગુડા હસ્તક મુકાયેલા ૯૯૬ હેક્ટર વિસ્તારના વિકાસ માટે અપેક્ષા રાખી શકાય નહીં.


Google NewsGoogle News