વડોદરાને જાગીર સમજી આડેધડ કરીને કેબલો ચોરવાના કૌભાંડના સૂત્રધાર વડોદરામાં જ હાજર હતા

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
વડોદરાને જાગીર સમજી આડેધડ કરીને કેબલો ચોરવાના કૌભાંડના સૂત્રધાર વડોદરામાં જ હાજર હતા 1 - image

વડોદરાઃ વડોદરાના જાહેર રસ્તાઓ જાણે પોતાની માલિકીના હોય તે રીતે કોઇની પણ મંજૂરી વગર જેસીબીથી ખાડા ખોદી ક્રેન વડે કિંમતી કેબલ ચોરી કરવાના કારેલીબાગ પોલીસે પકડેલા કૌભાંડના બંને સૂત્રધાર બનાવના દિવસે વડોદરામાં હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ત્રણ રસ્તાથી જીવનભારતી ચાર રસ્તા સુધીના માર્ગ પર બેરીકેડ મૂકીને હાથમાં લાઇટ રાખી ટ્રાફિક ડાઇવર્ટ કરાવી જેસીબી વડે ખાડા ખોદીને ક્રેન વડે બીએસએનએલના કેબલ ચોરી કરવાના કૌભાંડની ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ તપાસ ચાલી રહી છે. પોલીસે બનાવના સ્થળેથી આઠ શ્રમજીવીઓને ઝડપી પાડી જેસીબી,ક્રેન અને ટેમ્પો ભરેલા રૃ.૫૦ લાખની કિંમતના કેબલ સહિત કુલ રૃ.૧ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મજૂરોની પૂછપરછ દરમિયાન દિલ્હીના રામુ અને સંદીપ નામના બે માસ્ટરમાઇન્ડના નામ ખૂલ્યા હતા.બંને કોન્ટ્રાક્ટરોએ વડોદરાના શ્રમજીવીઓને ગેરકાયદે કોન્ટ્રાક્ટ આપી કેબલો ખોદાવ્યા હતા.જેથી બંને માસ્ટર માઇન્ડની તપાસ માટે કારેલીબાગના પીઆઇ ચેતન જાદવ અને ટીમ તપાસ કરી રહી છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ જોતાં બંને સૂત્રધારોની વડોદરામાં હાજરી હોવાનું મનાઇ રહ્યું છે.જેથી વધુ ફૂટેજ મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત પોલીસને એક શંકાસ્પદ કાર પણ ધ્યાનમાં આવી છે.જે કાર કોની છે અને કોણ લાવ્યું હતું તે દિશામાં તપાસ કરવા માટે એક ટીમ કામ કરી રહી છે.

દિલ્હીના કોન્ટ્રાક્ટર પણ સાથે મજૂરો લાવ્યા હતા,પોલીસને જોતાં જ ભાગી ગયા

દિલ્હીના કોન્ટ્રાક્ટર પોતાની સાથે કેટલાક મજૂરો લાવ્યા હોવાનું પોલીસ માની રહી છે.

વડોદરાના રસ્તાઓ પર સરકારી કોન્ટ્રાક્ટની જેમ જ બેરીકેટ અને ટ્રાફિક ડાઇવર્ટના બોર્ડ મૂકી કિંમતી કેબલ ચોરી કરવાના કૌભાંડના સૂત્રધાર રામુ અને સંદીપ સ્થાનિક મજૂરોને કોઇ શંકા ના જાય તે માટે પોતાની સાથે દસ થી બાર મજૂરો લઇ આવ્યા હોવાનું મનાય છે.

આ મજૂરોને ચોરી કરવાના કામની અગાઉથી જ જાણકારી હોય તે રીતે કારેલીબાગ પોલીસની એન્ટ્રી થતાં જ તેઓ કામ પડતું મૂકીને ફરાર થઇ ગયા હતા.જેથી આ મજૂરોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કેબલ ચોરીનો રેલો BSNL સુધી પહોંચે છે કે કેમ તેની તપાસ

કેબલ ચોરી કૌભાંડના નેટવર્કને શોધવા માટે પોલીસ માટે દિલ્હીના આરોપીઓની કોલ્સ ડીટેલ મહત્વની  બની રહેશે.

પોલીસના જણાવ્યા મુજબ,કેબલ ચોરી કરવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કોની કોની સંડોવણી છે તેની તપાસ જરૃરી છે.આ માટે દિલ્હીના બંને સૂત્રધાર પકડાય પછી તે દિશામાં પૂછપરછ કરવામાં આવશે.

આ ઉપરાંત કૌભાંડમાં બીએસએનએલ સુધી રેલો પહોંચે કે કેમ તેની પણ માહિતી આરોપીના કોલ્સ ડીટેલ પરથી બહાર આવશે.


Google NewsGoogle News